- મૃતક યુવકના પરિવારે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર પર બેદરકારીના આક્ષેપો કર્યા
ડભોઇ રોડ ગુરૃકુળ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા તરફ જવાના રોડ પર પાણીના બુસ્ટરમાં કામ કરવા ઉતરેલા યુવકને કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનનું મોત થયો હોવાનો આક્ષેપ કરીને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પાણીગેટ પોલીસની સમજાવટ બાદ તેઓ લાશ લઇ ગયા હતા.
વડોદરા શહેરના ડભોઇ રોડ યમુના મિલની બાજુમાં જય નારાયણ નગરમાં રહેતો મિતેશ શૈલેષભાઇ ઠાકોર (ઉ.વ.28) ડભોઇ-વાઘોડિયા રીંગ રોડ ગુરૂકુળ ચાર રસ્તાથી પરિવાર ચોકડી તરફ જતા રોડ પર આવેલા પાણીના બુસ્ટરમાં આજે બપોરે કામ કરવા માટે ઉતર્યો હતો. બુસ્ટરમાં છૂટા થયેલા વાયરોના કારણે તેને કરંટ લાગતા દાઝી ગયો હતો. તેને બહાર કાઢી સારવાર માટે માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેની લાશ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મૃતકના ભાઈ આશિષ પાટણવાડીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બુસ્ટરમાં મોટરનું વાયરીંગ છૂંટુ હોય છે. ગતરોજ સવારે મારો ભાઇ નોકરી પર ગયો હતો. બપોરે કોન્ટ્રાક્ટરે કોલ કરીને કહ્યું હતું કે, તારો ભાઇ ઉઠતો નથી. તું આવી જા. પરંતુ, કોન્ટ્રાક્ટરે મને કહ્યું નહતું કે, તારા ભાઇને કરંટ લાગ્યો છે. ત્યારબાદ હું સ્થળ પર ગયો હતો અને મારા ભાઇને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. મારો ભાઇ શ્રી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર રાહુલ રાઠોડ અને વિરેન્દ્ર રાઠોડની ત્યાં કામ કરતો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મારા ભાઇનું મોત થયું છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ લઇ જઇશું નહીં. જોકે મોડી સાંજે પોલીસની સમજાવટ બાદ તેઓ મૃતદેહ લઇ ગયા હતા. આ મામલે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.