વડોદરામાં વિવિધ કંપનીઓમાં કામદારોના દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરનાર લેબર કોન્ટ્રાક્ટર ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તક્ષ ગેલેક્ષી મોલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - A-labor-contractor-who-extorted-one-and-a-half-crore-rupees-from-workers-in-various-companies-was-caught-in-Vadodara

- આરોપીએ કામદારોના પીએફ, જીએસટી, ઇએસઆઇ જેવી રૂપિયા દોઢ કરોડ જેટલી રકમ સરકારમાં જમા નહિં કરાવી ઠગાઇ કરતા ૩ ગુના નોંધાયા હતા

- આરોપીની કાર, મોબાઈલ અને લેપટોપ પણ ચોરી કર્યાની કબૂલાત


વડોદરામાં વિવિધ કંપનીઓમાં કામદારોના દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ અને કાર, લેપટોપની ઉચાપત કરનાર આરોપી લેબર કોન્ટ્રાક્ટરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેની પાસેથી કાર મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરા શહેરના મકરપુરા અને પોર રમણગામડી ખાતેની રોટેક્ષ ઓટોમેશન લિ.નામની કંપની તેમજ તેની સાથે સંકળાયેલી ડભાસાની ગ્લોબેક્ષ લેબોરેટરીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાકેશ કાલુવન ગોસાઇ (પ્રભુલી સોસાયટી-૨, હરણી રોડ હાલ રહે.સમીરપાર્ક, હાઇટેન્શન રોડ, સુભાનપુરા)એ કામદારોના પીએફ, જીએસટી, ઇએસઆઇ સહિતના દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ સરકારમાં જમા નહિં કરાવી ઠગાઇ કરતાં તેની સામે ત્રણ  ગુના નોંધાયા હતા. આરોપીને શોધવા માટે માંજલપુર અને અકોટા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવતી હતી. પરંતુ તેનો પત્તો લાગતો નહતો.

આ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના જુદા -જુદા પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામા સંડોવાયેલ ઇસમ રાકેશ કાલુવન ગોસાઇ હાલ એક સફેદ અલ્ટો કાર લઇને આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે આવેલ તક્ષ ગેલેક્સી મોલમાં આવ્યો છે અને કાર ચોરી કે ગુનાહિત કૃત્ય કરીને લાવ્યો છે. આ બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તક્ષ ગેલેક્ષી મોલ જવાના રોડના નાકે વોચમાં હાજર હતી.તે દરમિયાન કારને રોકી તેમાં ચાલક શખસ રાકેશભાઇ કાલુવન ગોસાઇ (ઉ.44) (રહે. મૂળ પ્રભુલી સોસાયટી-2, હરણી રોડ, વડોદરા શહેર હાલ- સમીર પાર્ક સોસાયટી, હાઇટેન્શન રોડ, સુભાનપુરા વડોદરા) મળી આવ્યો હતો. જેની પાસેથી બે મોબાઇલ ફોન અને કારમાંથી એક લેપટોપ મળી આવ્યું હતું અને જેથી કારના પેપર્સ અને મોબાઇલ ફોન અને લેપટોપોના બિલ રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો અને તેની પૂછપરછમાં તેને કાર અને લેપટોપ ચોરી કરેલા હોવાની વાત કરી હતી.

આરોપીએ તેની આ કાર પર તેના સંબંધીની કારનો નંબર લખેલો હતો. જેથી, તે પોલીસના હાથે ન પકડાય. આ આરોપીએ લેબર કોન્ટ્રાકટરના કામ દરમિયાન આજ દિન સુધી દોઢ કરોડ જેટલી રકમની ઠગાઇ કરેલ હતી. આ અંગે વડોદરા શહેરના માંજલપુર અને અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અંગેના કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને માંજલપુર અને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments