- 26 વર્ષીય રેનુ ચૌહાણ કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં ચરી ભરવાનું કામ કરતી વખતે નીચે પટકાઇ હતી
- યુવતી કયા કારણોસર નીચે પડી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાટીદાર ચોકડી પાસે નવી બની રહેલી બહુમાળી કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં મજૂરી કામ કરી રહેલી 26 વર્ષીય યુવતી શ્રમજીવી આઠમા માળે ચરી ભરવાનું કામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા તેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પાટીદાર ચોકડી પાસે એમ્બે એપી લેન્સ નામની સાઈટ બની રહી છે. આ કન્સ્ટ્રક્શન સાઈટમાં પરપ્રાંતીય કેટલાક શ્રમજીવીઓ મજૂરી કામ કરી રહ્યા છે. જે પૈકી મધ્યપ્રદેશના જાંબુવા ખાતે રહેતી શ્રમજીવી યુવતી રેનુબેન મુકેશભાઈ ચૌહાણ (ઉં.26) પણ તેના અન્ય પરિચિત વ્યક્તિ સાથે મજૂરી કામ કરતી હતી. આજે તેની બિલ્ડીંગના આઠમા માળે ચરી ભરવાનું કામ કરતી હતી. તે વખતે શ્રમજીવી યુવતી રેનું ચૌહાણ આઠમા માળેથી નીચે પડી હતી.
આઠમા માળની ઊંચાઈ પરથી નીચે જમીન ઉપર પટકાયેલી શ્રમજીવી યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે અન્ય શ્રમજીવીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને આ બનાવની જાણ સાઈટ સુપરવાઇઝરને કરવામાં આવી હતી. જોકે આ બનાવ સંદર્ભે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી કરી શ્રમજીવી યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શ્રમજીવી યુવતી કયા કારણોસર નીચે પડી તે અંગે રહસ્ય સર્જાયુ છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.