ગોત્રી નિલાંભર સર્કલ પાસે કોંક્રિટ મિક્સર ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત, બાળકીને ઇજા

શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો

MailVadodara.com - A-girl-died-on-the-spot-after-a-concrete-mixer-truck-hit-a-two-wheeler-near-Gotri-Nilambhar-Circle-the-girl-was-injured

- અઢી વર્ષની બાળકીએ માતા ગુમાવી, ગોત્રી વિસ્તાર પ્રિયા ટોકીઝ પાસે યોગીનગરમાં રહેતી મૃતક હિમાની શ્રીમાળી ઈવા મોલમાં જોબ કરતી હતી


વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં મોટાભાગના લોકો ભારદારી વાહનોની અડફેટે મોતને ભેટ્યા છે. ત્યારે આજે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે. શહેરના નીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ-વ્હિલર પર જઈ રહી હતી. ત્યારે કોંક્રિટ મિક્સર ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતા મહિલા કચડાઇ જતા ઘટનાસ્થળે જ દમ તોડયો હતો, જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ બનાવના પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં મહિલાને અડફેટે લઈ કચડી નાખતા દૃશ્યો કેદ થયા છે.

શહેરમા પ્રતિબંધ હોવા છતા ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે. કોંક્રિટ મિક્સર લઈને જતા ડ્રાઇવરે ટુ-વ્હિલર સાથે મહિલાને અડફેટે લીધી હતી. આ મહિલા બાળકીને લઈને પસાર થતી હતી. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે. આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આ બનાવના પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી.


મળતી માહિતી મુજબ, મૃતક હિમાની તરુણ શ્રીમાળીની દીકરીની ઉંમર અઢી વર્ષ છે અને તેનું નામ ટિટ્વશા છે. માતાનું મોત થતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. માતા રોજ પોતાની પુત્રીને ડે કેરમાં મૂકી ઈવા મોલમાં જોબ કરવા માટે જતી હતી. મૃતક મહિલા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે આવેલ યોગીનગરમાં રહેતી હતી. તેના પતિ ખાનગી કંપનીમાં જોબ કરે છે. બાળકીને સારવાર બાદ ઘરે લઈ જવામાં આવી છે.


આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકના પીઆઈ આર.એન. પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓ જણાવ્યું હતું કે, આ અકસ્માતના બનાવને લઇ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. આ મહિલાનું મોત નીપજ્યું છે અને આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મહત્વની બાબતે છે કે, શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે દોડતા રહે છે. અવારનવાર આ અકસ્માતનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ શા માટે ભારદારી વાહનચાલકોને શહેરમાં પ્રવેશ આપે છે તે સૌથી મોટો સવાલ છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને ટ્રાફિક પોલીસ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરે છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે હવે આવા વાહનો પર પોલીસ ક્યારે કમર કસે છે તે હવે જોવાનું રહ્યું.


Share :

Leave a Comments