- રિક્ષાચાલકના સ્વાંગમાં લૂંટ ચલાવનાર ટોળકીના બે સાગરીતો સામે ફરિયાદ
શહેરમાં છેલ્લા એક માસથી રિક્ષાચાલકના સ્વાંગમાં લૂંટારૂઓ ફરી રહ્યા છે અને મુસાફરોને અંતરિયાળ રસ્તાઓ ઉપર લઈ જઈ માર મારી લૂંટ ચલાવી રહ્યા છે. એક માસ પહેલાં મુંબઈના વેપારીને લૂંટ્યા બાદ રિક્ષાચાલક લૂંટારું ટોળકીએ હોટલમાં નોકરી કરતા કર્મચારીને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના સરદાર એસ્ટેટ પાસે કિશનવાડીમાં રહેતા સુદર્શન રાવત ભાયલીની એક હોટલમાં રસોઈ બનાવવાનું કામ કરે છે. સુદર્શન મોડીરાત્રે 10.30 વાગ્યે હોટલમાંથી છૂટ્યા બાદ રેલવે સ્ટેશન તરફ આવતી શટલ ઓટો રિક્ષામાં ઘરે જવા માટે બેઠો હતો. તે રિક્ષામાં બેઠો ત્યારે અન્ય બે મુસાફર પણ સાથે હતા.
ભાયલીથી ઓટો રિક્ષામાં બેઠેલા ત્રણ પૈકી બે મુસાફર રસ્તામાં ઉતરી ગયા હતા. જ્યારે સુદર્શન રાવતને રેલવે સ્ટેશન ઉતરવાનું હોવાથી તેઓ એકલા જ રિક્ષામાં હતા. રેલવે સ્ટેશનથી અન્ય એક વ્યક્તિ મુસાફરના સ્વાંગમાં બેઠો હતો. જે રિક્ષાચાલકનો સાગરીત હતો. રિક્ષાચાલક અને તેનો સાગરીત મુસાફર સુદર્શન રાવતને બ્રિજ તરફ લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં તેને માર મારી તેનો મોબાઈલ અને રૂપિયા 400 જેટલી રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવે શહેરની હોટલોમાં કામ કરતા અને મોડીરાત્રે છૂટીને પોતાના રૂમ ઉપર જતા કર્મચારીઓ-કારીગરોમાં ડર ફેલાવી દીધો છે.
આ દરમિયાન લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા સુદર્શન રાવત સયાજીગંજ પોલીસ મથકમાં આવ્યા હતા અને ઓટો રિક્ષાચાલકના સ્વાંગમાં લૂંટ ચલાવનાર ટોળકીના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, એક મહિના પહેલાં પણ આજવા રોડ ઉપર મુંબઇનો વેપારી લૂંટાયો હતો.