- પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણી કરી તપાસ શરૂ કરી
- વેપારી કાર પાર્ક કરી દુકાનમાં ઊઘરાણીના નાણાં લેવા ગયા'ને ટોળકી 5 જ મિનિટમાં કારનો કાચ તોડી રોકડ રકમનું પાકીટ ચોરી ફરાર થઇ ગયા
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા અને સાવલી તાલુકાના મંજુસર ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વેપારીની કારના કાચ તોડી કારમાંથી રોકડ રૂપિયા 5 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 5 મિનિટમાં જ ચોરી કરી ફરાર થઇ ગયેલી ટોળકી અંગે વેપારીએ 100 નંબર ઉપર ફોન કરી જાણ કરતા મંજુસર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વેપારી પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે મનિષભાઇ શાહ પરિવાર સાથે રહે છે. તાલુકાના મંજસુર ખાતે ન્યુ ગણેશ પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન ધરાવે છે. રોજના નિત્યક્રમ મુજબ તેઓ રાત્રે 8.55 મિનિટે દુકાન બંધ કરી દિવસ દરમિયાનનો રૂપિયા 5 લાખ જેટલી વકરાની રકમ કારમાં મૂકી વડોદરા ઘરે આવવા માટે નીકળ્યા હતા.
જો કે, વેપારી મનિષભાઇ શાહને મંજુસર ગામ પાસે આવેલ બાલાજી પ્રોવિઝન સ્ટોર સહિત અન્ય દુકાનોમાંથી પણ ઉઘરાણીના નાણાં લેવાના હોવાથી તેઓ નજીકની હોટલ સામે પોતાની કાર પાર્ક કરી દુકાનમાં ઊઘરાણીના નાણાં લેવા ગયા હતા. ઊઘરાણી કરીને પરત કાર પાસે ફરતા કારની પાછળનો કાચ તૂટેલો જોતા ચોંકી ઉઠ્યા હતા. તે સાથે કારમાં નજર કરતા કારમાં મૂકેલી રોકડ રકમનું પાકીટ પણ જણાઇ ન આવતા સ્તબ્ધ થઇ ગયા હતા.
આ દરમિયાન તેઓએ બનાવ અંગે 100 નંબર ઉપર ફોન કરી જાણ કરતા ઘટનાથી 300 મીટર દૂર આવેલા મંજુસર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વેપારી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટોળકીને ઝડપી પાડવા માટે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસને કોઇ સગડ મળી આવ્યા ન હતા. પોલીસનું અનુમાન છે કે, કોઇ જાણભેદુ દ્વારા જ આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે.
વેપારી મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી મંજુસરમાં ન્યુ ગણેશ પ્રોવિઝન સ્ટોર નામની મારી કરીયાણાની દુકાન આવેલી છે. રાત્રે 8.55 કલાકે દિવસનો દરમિયાનનો વકરો લઇને ઘરે જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં બાલાજી પ્રોવિઝન સ્ટોરમાંથી ઊઘરાણીની રકમ લેવાની હોવાથી કાર પાસેની હોટલ બહાર પાર્ક કરી ઊઘરાણી કરવા માટે ગયો હતો. 5 મિનિટમાં જ પરત ફરતા કારના કાચ તોડી કોઇ અજાણ્યા શખ્સો કારમાંથી 5 લાખની ચોરી કરી ગયા હતા. ટોળકી કારમાંથી દુકાનની ચાવીઓ અને ચેકબુક સહિતના દસ્તાવેજો પણ લઇ ગયા છે. કારમાંથી ચોરી કરી જનાર ટોળકી દ્વારા કારના આગળના વ્હીલનું પંકચર પણ કરી નાંખ્યું હતું.
રાત્રે મંજુસર ખાતે બનેલા ચોરીના આ બનાવ અંગે મંજુસર પોલીસે વપારી મનિષભાઇ શાહની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. રાત્રે બનેલા આ બનાવ મંજુસર પંથકમાં ચકચાર મચાવી મૂકી હતી. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સી.સી.ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે, આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.