જામ્બુવા પાસે પેટ્રોલપંપ પરથી 19.69 લાખની ઉચાપત કરનાર ભેજાબાજ કેશિયરની ધરપકડ

આરોપીએ ચાર અલગ-અલગ મોબાઈલ નંબર ઉપર નાણાં ટ્રાન્સફર કર્યાની કબૂલાત કરી

MailVadodara.com - A-fraudulent-cashier-who-embezzled-Rs-19-69-lakh-from-a-petrol-pump-near-Jambuwa-was-arrested

- પબજી ગેમમાં એક જ વર્ષમાં 10 લાખ હાર્યો; આરોપીના 29 સુધીના રિમાન્ડ મંજૂર

વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર જામ્બુવા પાસે આવેલ પેટ્રોલ પંપના કેશિયર કમ સેલરે પેટ્રોલ પંપના ડીટી પ્લસ એકાઉન્ટના નાણા બારોબાર રાજસ્થાનના ફિલિંગ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી રૂપિયા 19.69 લાખની ઉચાપત કરનાર ભેજાબાજ કેશિયરની કપુરાઇ પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલ કેશિયર એક જ વર્ષમાં પબજી ગેમમાં ઓનલાઇન ઇન્વેન્ટ્રીમાં રૂપિયા 10 લાખ હારી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેને અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા નજીક જાંબુઆ જીઇબી સબ સ્ટેશનની બાજુના વિવેક રોડવેઝ પેટ્રોલ પંપ ખાતે કેશિયર કમ સેલર તરીકે ભાવેશસિંહ સોહનસિંહ રાજપૂત (રહે -ધવાલી મગરી, ખેરાટા, ગુર્જર, તા. તોડગડ, જી.અજમેર, રાજસ્થાન)ને નોકરી ઉપર રાખ્યો હતો. એચપીસીએલ તરફથી પેટ્રોલ પંપના નિયમિત ગ્રાહકોને કંપની ડીટી પ્લસ આપે છે. આ કાર્ડથી ટ્રાન્સપોર્ટરના વાહન ડ્રાઇવર અને ક્લીનરને અકસ્માત વીમા કવર મળે છે. આ કાર્ડના ઉપયોગ માટે કસ્ટમરનો મોબાઇલ નંબર કાર્ડ સાથે રજીસ્ટર કરવાનો હોય છે. જેથી રેગ્યુલર ગ્રાહકો પૈકીના શ્રી ક્રિષ્ણા આર.એમ.સી.પ્લાનને કસ્ટમર આઈડી ફાળવ્યો હતો.

કસ્ટમર આઈડી સાથે શ્રી ક્રિષ્ણા આર.એમ.સી.પ્લાનને રજીસ્ટર કરવાની જગ્યાએ ભાવેશ રાજપૂતે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. શ્રી ક્રિષ્ણા આર.એમ.સી.પ્લાન દ્વારા થતી લેવડ દેવડમાં ઓટીપી ભાવેશ રાજપૂતને મળતા તેના ઉપયોગથી નાણા ટ્રાન્સફર કરતો હતો. નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી હિસાબોની ચકાસણી કરતા જમા ઉધારનો તફાવત વધુ દર્શાવ્યો હતો. ભાવેશે આ રકમ ચાર જેટલા અલગ અલગ મોબાઈલ નંબર ઉપર ટ્રાન્સફર કર્યાની કબૂલાત કરી છે.

પોલીસે આ હકીકતના આધારે ભાવેશસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. તેને અદાલતમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સિનિયર ધારાશાસ્ત્રી રઘૂવીર પંડ્યા દ્વારા આ મામલે કરવામાં આવેલી દલીલ તથા પોલીસની રિમાન્ડ અરજના આધારે અદાલતે તા. 29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવેશે ઉચાપત કરેલા નાણાં રાજસ્થાનના ભીમ ખાતે ચાર મિત્રો મારફતે ટ્રાન્સફર કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ ચાર મિત્રો તથા ભીમ ખાતે આવેલા રાજેશ્વરી એચ.પી.ફિલિંગ સ્ટેશનના પેટ્રોલ પંપના માલિકની તપાસ શરૂ કરી દીધી છે.

Share :

Leave a Comments