દાહોદમાં વન વિભાગના અધિકારીનો આજે વહેલી સવારે ઘરે બેડરૂમમાં લમણે ગોળી મારી આપઘાત

ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનોએ ગભરાઇને બૂમાબૂમ કરી મૂકી

MailVadodara.com - A-forest-officer-in-Dahod-shot-himself-in-the-bedroom-early-this-morning

- મૂળ દાહોદના બાવકા ગામના વતની આર.એમ.પરમાર ફોરેસ્ટ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા હતા


દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા IFS અધિકારીએ અગમ્ય કારણોસર વહેલી સવારે પોતાના ઘરમાં જ બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી લમણા પર ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બીજી તરફ વનવિભાગના અધિકારીએ આત્મહત્યા કરતા સરકારી આલમ સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના બાવકા ગામના વતની અને હાલ ફોરેસ્ટ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે આજે વહેલી સવારે પોતાના ઘરમાં જ ખાનગી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા ગમગીની છવાઈ ગઈ હતી. અધિકારીની આત્મહત્યાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.


દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી તરીકે પ્રમોશન મેળવીને RFO માંથી DCF તરીકે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે અગમ્ય કારણોસર આજરોજ વહેલી સવારે 5:00 થી 6:00 વાગ્યા દરમિયાન દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમા આવેલી અંબિકાનગર સોસાયટીમાં પોતાના ઘરના બેડરૂમમાં પોતાની ખાનગી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


દાહોદના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમાર સ્વભાવે શાંત સ્વભાવના અધિકારી હતા, ગઈકાલે તેઓ પોતાની ફરજ દરમિયાન ખજુરિયા ગામે વિઝિટ કરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ મોડી રાતે ભોજન કરીને જ ઘરે આવ્યા હતા.


આજે વહેલી સવારે અચાનક તેમના બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતા અને બેડરૂમમાં જઈને જોતા રમેશભાઈ પરમાર માથાના ભાગે ગોળી વાગેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેને પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી હતી.

Share :

Leave a Comments