વાસણા-ભાયલી રોડ પર 5.97 કરોડના ખર્ચે ફાયરના જવાનોને રહેવાની સુવિધા સાથે બનેલા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું

વડોદરા કોર્પોરેશનની જુદા-જુદા ઝોનમાં ફાયર સ્ટેશન બનાવવાની તૈયારી

MailVadodara.com - A-fire-station-built-at-a-cost-of-5-97-crores-on-Vasana-Bhayli-road-with-accommodation-facilities-for-firemen-was-inaugurated

- અહીં 13 ફાયર ટેન્કર ઉભા રાખી શકાય તેવી વ્યવસ્થા છે, ફાયર સ્ટેશનમાં જવાનોને રહેવાની પણ વ્યવસ્થા કરાઇ છે, જેથી ઇમર્જન્સીમાં તુરંત લોકોને મદદ મળી રહે


વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આજે રૂપિયા 5.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુવિધાસભર ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના મેયર, અકોટાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ ફાયર સ્ટેશનમાં ફાયરના જવાનોએ રહેવાની વ્યવસ્થા પણ છે, જેને કારણે આવનાર સમયમાં વિસ્તારમાં કોઇ ઇમજન્સી ટાણે નાગરિકોને ત્વરિત મદદ મળી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા વિવિધ ઝોનમાં સુવિધાસભર ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે. જે પૈકીનું આ એક હોવાનું સામે આવ્યું છે.


શહેર તથા શહેરની હદબહાર વિસ્તારમાં ફાયર બ્રિગેડની ત્વરિત સેવાઓ આપી શકાય તે હેતુથી વાસણા-ભાયલી રોડ ખાતે ફાયર સ્ટેશનનું બાંધકામ ત્રણ વર્ષ અગાઉ ચાલુ કરાયું હતું, જે હવે પૂર્ણ થયું છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં વાસણા-ભાયલી રોડ ખાતે 5.97 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર સહિત તૈયાર કરવામાં આવેલા નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ફાયર બ્રિગેડના 13 ટેન્કર ઉભા રાખી શકાય તેવી વ્યવસ્થા છે. બદામડીબાગ-દાંડિયાબજાર ખાતે મીની ફાયર સ્ટેશનનું અન્ડરકન્ટ્રકશન કામ ચાલુ છે, જ્યારે સોમા તળાવ, સયાજીપુરા-કમલાનગર, વેમાલી-હરણી, કારેલીબાગ ખાતે નવા ફાયર સ્ટેશનો ભવિષ્યમાં કાર્યરત કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગોના કારણે 81 મીટર હાઈડ્રોલીક એલીવેટર પ્લેટફોર્મ પણ ખરીદ કરવામાં આવનાર છે. આના માટે 23 કરોડ ખર્ચ થનાર છે, જેમાં 50% ખર્ચ વુડા આપશે તેવું જાણવા મું છે.


વડોદરાના મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, વાસણા-ભાયલી રોડ પર સુવિધાઓ સભર ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાસણા-ભાયલી રોડ પર રહેતા રહીશોને ઇમરજન્સીના સમયે આ ફાયર સ્ટેશન ઉપયોગી નિવડશે. આ સાથે જ અહિંયા ફાયર સ્ટેશનમાં ફાયર ફાયટરોને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી સ્થિતીમાં અહિંયાથી જ તુરંત ફાયર પાયટરો મદદ પહોંચાડી શકે તેવી વ્યવસ્થા પણ છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા દાંડીયાબજારમાં ફાયર સ્ટેશન આવેલું હતું જેનું ડિમોલીશ કરવામાં આવ્યું હતું. શહેરના જુદા-જુદા ઝોનમાં ફાયર સ્ટેશન થાય તેવી પાલિકાની તૈયારી પૈકી એક આ ફાયર સ્ટેશન તૈયાર કરીને મુકવામાં આવ્યું છે. અહિંયા રહેવાની સુવિધા પણ છે. તો જ ઇમરજન્સી ટાણે સર્વિસ આપી શકાય. આ સ્ટેશન આ વિસ્તારના લોકોને મદદ કરશે. ઝડપી મદદ પહોંચાડી શકાશે. જેમ-જેમ શહેરનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ ફાયર અને ઇમરજન્સી સંબંધિત સુવિધાઓની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારે તમામ ઝોનમાં સુવિધાસભર ફાયર સ્ટેશનો બનવાને કારણે આવનાર સમયમાં ફાયરના લાશ્કરોને જરૂરી સુવિધા અને લોકોને ઇમરજન્સી ટાણે જરૂરી મદદ મળી રહેશે.


Share :

Leave a Comments