વડોદરામાં જીએસએફસી સામે આવેલા ગેરેજમાં આગ લાગી, ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો

છાણી નજીક હિન્દુસ્તાન મોટર ગેરેજમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

MailVadodara.com - A-fire-broke-out-in-a-garage-opposite-GSFC-in-Vadodara-the-fire-department-brought-it-under-control-after-much-effort

- ગેરેજમાં આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
- ફાયર વિભાગની 4 ગાડીની મદદથી આગ પર કાબુ મેળવ્યો, લાખોનો સમાન બળીને ખાખ


શહેરના છાણી વિસ્તારમાં સવારમાં આગનો બનાવ સામે આવ્યો છે. જી.એસ.એફ.સીના મેઈન ગેટ સામે મોટર ગેરેજમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને લઇ તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં આવેલ જીએસએફસીના મુખ્ય ગેટની સામે આવેલ હિન્દુસ્તાન મોટર ગેરેજમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા ભારદારી વાહનોના એન્જિન તેમજ અન્ય રીપેરીંગ કામ કરવામાં આવે છે. આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી હતી. આ બનાવને લઇ વડોદરા ફાયર કંટ્રોલમાં કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે જ જીએસએફસી ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આગ પર હાલમાં ફાયર વિભાગે સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.


આ ગેરેજમાં આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગ એટલી વિકરાળ હતી કે રિપાવરિંગ ગેરેજ માલિકને લાખોનું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો આગ કાબુમાં ન આવી હોત તો મોટું નુકસાન થઈ શકતું હતું. જોકે, ગણતરીના સમયમાં ફાયરે વિભાગની સતર્કતાના કારણે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


આ અંગે છાણી ફાયર સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળતાની સાથે તાત્કાલિક છાણી ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે ઇઆરસી અને જીએસએફસી ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ગેરેજમાં નુકસાન થયું છે, કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની 4 ગાડીની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


Share :

Leave a Comments