- આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું, આગમાં મોટર ગેરેજનો સામાન લપેટાયો
વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં ગઈ રાતે મોટર ગેરેજમાં બનેલા આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી ભૂમી ચાર રસ્તા પાસે આવેલા પટેલ મોટર્સ નામના ગેરેજમાં ગઇકાલે રાત્રે કામકાજ બંધ કરીને મિકેનિકો ઘેર ગયા હતા ત્યારબાદ અંદાજે ૯ વાગ્યાના અરસામાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં મકરપુરા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડે ગેસનો બોટલ કાઢી લેતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં મોટર ગેરેજનો સામાન લપેટાયો હતો.
ગાડીઓમાં ગેસ ભરવાનું તેમજ ગાડીઓ રિપેરિંગ કામ ગેરેજમાં કરાતું હતું. ગેરેજમાં ઓઇલના બેરલ અને ગેસના સિલિન્ડર પણ ઘટના સ્થળ પર હતા. જોકે ફાયરબ્રિગેડ દ્વારા ગેસના સિલિન્ડરને બહાર કાઢી લેવાતાં આગ વધુ ફેલાતા અટકી હતી. બનાવના સ્થળ પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.