- પરિવારને આર્થિક મદદરૂપ થવા 18 વર્ષીય ક્રિષ્ણા એક માસ પહેલાં નોકરી લાગ્યો હતો
- એકના એક પુત્રનું મોત નીપજતા પિતા સ્તબ્ધ થઇ ગયા
સાવલી તાલુકાના મંજુસર ગામ પાસે આવેલી હોટલ નજીક ડમ્પરે મોટર સાઇકલ પર સવાર પિતા-પુત્રને અડફેટમાં લીધા હતા. ડમ્પરની જોરદાર ટક્કરથી પિતા-પુત્ર હવામાં ફંગોળાઇ ગયા હતા. પિતા દૂર ફેંકાઇ ગયા હતા. જ્યારે પુત્ર ફંગોળાઇને ડમ્પરના તોતીંગ પૈંડા નીચે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પિતા પુત્રને કંપનીમાં મૂકવા જઇ રહ્યા હતા તે સમયે આ કરુણ ઘટના બની હતી.
મંજુસર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના મંજુસર ગામના બળવંત તલાવડી પાસેના રહેવાસી સતીષભાઇ રાઠવા 18 વર્ષના પુત્ર ક્રિષ્ણાને મોટર સાઇકલ ઉપર કંપનીમાં મૂકવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન મંજુસર ગામ પાસે આવેલી મજબૂર હોટલ નજીક રસ્તામાં ગાય આવી જતા સતિષભાઇએ પોતાની મોટર સાઇકલ સ્પિડ ઓછી કરી હતી. તેજ સમયે પાછળથી પુરપાટ આવી રહેલા ડમ્પરે મોટર સાઇકલને અડફેટમાં લેતા પિતા-પુત્ર મોટર સાઇકલ ઉપરથી હવામાં ફંગોળાઇ ગયા હતા. જેમાં પિતા અલગ સ્થળે ફંગોળાઇ ગયા હતા. જ્યારે પુત્ર બાઇક ઉપરથી ઉછળીને ડમ્પરના તોતીંગ પૈડાં નીચે આવી જતા મોતને ભેટ્યો હતો.
આ અરેરાટી ભર્યા આ બનાવ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ક્રિષ્ણા પરિવારનો એકનો એક પુત્ર હતો. તેણે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. તેને વધુ અભ્યાસ કરવો હતો. પરંતુ, પિતાની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેણે આઇટીઆઇ કરવાનો નિર્ણય લીધો હતો. અને આઇટીઆઇમાં પ્રવેશ લેવા માટે ફોર્મ પણ ભર્યું હતું. પરંતુ, તેને પોતાની મનગમતી ટ્રેડમાં પ્રવેશ મળ્યો ન હતો. આથી તે નિરાશ થઇ ગયો હતો. આ દરમિયાન ક્રિષ્ણાએ પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે નોકરીની શોધખોળ શરૂ કરી હતી. તેનો મિત્ર તેણે પોતે જ્યાં નોકરી કરતો હતો. તે કંપનીમાં નોકરી લગાવ્યો હતો. એક માસ પહેલાંજ ક્રિષ્ણા નોકરી લાગ્યો હતો.
શુક્રવારે વરસાદ અને વાવાઝોડા જેવો માહોલ હોવાથી ક્રિષ્ણાએ પિતાને કંપની ઉપર મૂકી જવા માટે જણાવ્યું હતું. આથી પિતા સતીષભાઇ પુત્ર ક્રિષ્ણાને મોટર સાઇકલ ઉપર બેસાડીને કંપની ઉપર મૂકવા જતા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. અને તેમાં ક્રિષ્ણા રાઠવાનું કરુણ મોત નીપજ્યું હતું. નજર સમક્ષ એકના એક પુત્ર ક્રિષ્ણાનું મોત નીપજતાં પિતા સતીષભાઇ સ્તબ્ધ થઇ ગયા હતા. આ અરેરાટીભર્યા બનાવ અંગે મંજુસર પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે કુનપાડ ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી.