- કારચાલક યુવકની અટકાયત કરી રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
વડોદરાના જેલરોડ પાસે નંબર પ્લેટ વગરની અને કાચ પર કાળી ફિલ્મ લગાવેલી BMW કારના ચાલકે ડિવાઇડર જોડે અથાડીને અકસ્માત સર્જ્યો હતો. આ મામલે કાર ચાલક યુવકની અટકાયત કરીને તેના વિરૂદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વડોદરા સહિત દેશભરમાં નવરાત્રિ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ રાત્રી બંદોબસ્તમાં ભારે વ્યસ્ત રહેતી હોય છે. દરમિયાન જેલ રોડ પાસે નંબર પ્લેટ વગરની અને કાચ પર કાળી ફિલ્મ લગાવેલી BMW કારના ચાલકે ડિવાઇડર જોડે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે, કારનું પાછળનું વ્હીલ આખું ફરી ગયું હતું. જો કે, આ સમયે રોડ પર કોઇ હાજર ના હોવાના કારણે મોટી ઘટના ટળી હતી. આખરે આ મામલે કાર ચાલક યુવકની અટકાયત કરીને તેના વિરૂદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે એએસઆઇ ડ્યુટીમાં હતા. દરમિયાન બીએસએનએલ ત્રણ રસ્તાથી પોલીસ ભવન તરફ જઇ રહ્યા હતા. તેવામાં એક બીએમડબલ્યુ કારનો ચાલક તેને વાંકીચુકી રીતે ચલાવતો હતો. જેથી અન્યના જીવને જોખમ ઉભુ થઇ શકે તેમ હતું. દરમિયાન આ કાર રાત્રે દોઢ વાગ્યે ડિવાઇડર સાથે અથડાતા અખસ્માત સર્જાયો હતો. જે બાદ પોલીસ જવાનો દ્વારા તેને અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ રીષી ઉમેશભાઇ પટેલ (ઉં. 21) (રહે. અડાસિયા ફળીયુ, જૈન મંદિર પાસે, તરસાલી ગામ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તે તોતડાતી જીભે પોલીસ જવાનોને જવાબ આપતો હતો. તેની આંખો લાલ ચોળ ઘેરાયેલી હતી. તેને હલન-ચલન કરવાનું કહેતા તે પોતાનું સમતુલન પણ જાળવી શકે તેમ નહોતો અને લથડીયા ખાતો હતો. તેની પાસે કેફી પીણું પીવા માટેની મંજુરી માંગતા તે નહીં હોવાનું જણાવ્યું હતું. આખરે રાવપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ રૂ. 15 લાખની BMW કારને તપાસ અર્થે કબ્જે કરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આ મોંઘીદાટ કારના પાછળના ભાગે નંબર પ્લેટ નહોતી. અને નિયમોથી વિરૂદ્ધ જઇને કારના કાચમાંથી અંદર કોઇ જોઇ ના શકે તે માટે કાળી ફિલમ પણ લગાડવામાં આવી હતી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇ ની નજર રહેશે.