- વડોદરા શહેરમાં ટ્રાફિકજામથી છુટકારો મેળવવા કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજ નીચે મુકાયેલા ટ્રાફિક સિગ્નલોના કારણે વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાય છે..!!
વડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નોથી છુટકારો મળે તે માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, આમ છતાં પણ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલો મૂકવા પડે છે, અને તેના કારણે ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાય છે. ઓવરબ્રિજ નીચે ટ્રાફિક કેમ જામ થાય છે તેનો સર્વે હાથ ધરવા માંગણી કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનમાં બજેટ બેઠકમાં ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, હરીનગર, ચકલી સર્કલ, યોગ સર્કલ કે જે ઓવરબ્રિજ નીચે છે, ત્યાં ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે. હું આ વિસ્તારમાં 25 વર્ષથી રહું છું, પરંતુ આવા દ્રશ્યો અગાઉ જોયા નથી. બ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલ શા માટે મૂકવામાં આવે છે એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સિગ્નલોના કારણે જ ટ્રાફિકજામ સર્જાયા કરે છે. બ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલોની જરૂર છે કે કેમ તેનો રીવ્યુ કરવા સભાના અધ્યક્ષને પોલીસ કમિશનર સાથે બેઠક રાખવા કહ્યું હતું. ઓવરબ્રિજના સર્વિસ રોડ નાના પહોળા હોય છે અને તેમાંય વળી ટ્રાફિક સિગ્નલોના કારણે વાહન ચાલકોને રાહ જોવી પડે છે, જેથી પાછળ ટ્રાફિક લંબાતો જાય છે.
કોંગ્રેસના વોર્ડ એકના કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતાના કહેવા મુજબ મહેસાણા નગર અને છાણી જકાતનાકા ખાતે પણ આવી પરિસ્થિતિ છે. જ્યાં અગાઉ કદી ટ્રાફિકજામ થતો ન હતો, ત્યાં પણ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે છે, ત્યાં ગ્રીન લાઈટની સેકન્ડોની ગણતરી ભૂલ ભરેલી હોય છે. ક્યાંક 20 સેકન્ડમાં ગ્રીન લાઈટ પૂરી થઈ જાય છે, તો ક્યાંક 130 સેકન્ડ ચાલે છે. જ્યાં સિગ્નલોની જરૂર નથી ત્યાં પણ મૂકી દેવામાં આવ્યા છે. અટલબિજ નીચે યોગા સર્કલ ખાતે 180 સેકન્ડનું વેઇટિંગ હોય છે, તેવી રજૂઆત એક મહિલા કોર્પોરેટરે કરી હતી. અટલ બ્રિજના જે લેન્ડિંગ બ્રિજ છે, ત્યાં ટ્રાફિક જામ થતો જોવા મળે છે.