વારસિયા વિસ્તારની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો

ગ્રાહકે કહ્યું, પફ ખાવા ગયો ને ગંદી વાસ આવી; ઉબકા આવવાના શરૂ થઇ ગયા હતા

MailVadodara.com - A-customer-raised-an-uproar-after-a-puff-bought-from-a-bakery-shop-in-Warsia-area-turned-out-to-be-rotten

- ગ્રાહકે બેકરીના સંચાલકનો સંપર્ક કરી રજૂઆત કરતાં ભૂલ સ્વીકારવાના બદલે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યાનો આક્ષેપ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવાની માંગ


વડોદરાના વારસિયા વિસ્તારમાં જાણીતી બેકરી શોપમાંથી ખરીદવામાં આવેલો પફ સડેલો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે બેકરીના જવાબદાર સંચાલકનો સંપર્ક કરી રજૂઆત કરતાં તેઓએ ભૂલ સ્વીકારવાના બદલે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગ્રાહકે હાલ પાલિકાના આરોગ્ય વિભાગ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારની જણીતી બેકરી શોપમાંથી પફ ખરીદનાર ગ્રાહકે જણાવ્યું કે, હું સુપર બ્રેડ બેકરીમાં બન અને પફ લેવા માટે આવ્યો હતો. મેં પફ લીધો અને તેને ખાવા ગયો ત્યાં એકદમ ગંદી વાસ આવી હતી. તે બાદ મને ઉબકા આવવાના શરૂ થઇ ગયા હતા. જેથી મેં પફ ખોલીને જોતા તે અંદરથી સડેલો હોવાનું જણાયું હતું. મેં દુકાનદારને કહ્યું તો, તેણે કરણભૈયા નામના શખસને ફોન કર્યો હતો. તેને કહેવા જતા તેણે મને કહ્યું કે, શાંતિથી વાત કર, જે થાય તે કરી લે. એવું ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવાની માંગ કરી હતી.


આરોગ્ય વિભાગના અધિકારી ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી હાથ ધરીશું.


અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં પૈસા ખર્ચ્યા બાદ પણ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ગ્રાહકને વેચવાની ઘટનાઓ સામે આવે છે. ક્યારેક ભોજનમાંથી જીવાત નીકળે તો ક્યારેક મૃત અવશેષો. આ કિસ્સાઓ સામે આવ્યા બાદ પાલિકાની ખોરાક શાખાની ટીમો કાર્યવાહી તો કરે છે પરંતુ, કાર્યવાહી એટલી અસરકારક હોતી નથી. પરિણામે આવી ઘટનાઓ અવારનવાર બને છે.

Share :

Leave a Comments