- મગરને સહી-સલામત રીતે જાળીમાંથી કાઢીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પ્રથમ રેસીડેન્સી પાસે આવેલા તળાવમાં મચ્છી પકડવાની જાળીમાં 3.5 ફૂટનો મગર ફસાઈ ગયો હતો. જેને એક કલાકની જહેમત બાદ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને મગરને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર પર ભરત કહારભાઈનો ફોન આવ્યો હતો કે, વાઘોડિયા રોડ પ્રથમ રેસીડેન્સીની સામે વાસ તળાવ આવેલું છે, જેમાં મચ્છી કાઢવાનું કામ ચાલુ છે અને મચ્છીની નેટમાં એક મગર ફસાઈ ગયો છે. આ કોલ મળતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના બીજા કાર્યકર અને વડોદરા વન વિભાગની ટીમને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 3.5 ફૂટનો મગર માછલી પકડવાની જાળમાં ફસાયેલો જોવા મળ્યો હતો. આ મગરને ભારે જહેમત બાદ સહી-સલામત રીતે જાળીમાંથી કાઢીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.