- ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી, આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
વડોદરા શહેરના સમા રોડ પર આવેલ ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપીનભાઈ જેરામભાઈ પ્રજાપતીએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગતરાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે, તમે તાત્કાલિક પ્રિત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ, તમારા સાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલા હતા. મારા સાળા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કાર (GJ-23-M-8877)એ ટક્કર મારી હતી અને કારચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
શિલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ મારા સાળાને જમણા પગ, ડાબા હાથ અને પાંસળીઓમાં ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. વિપુલભાઈને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીસીટીવીમાં જોવા મળે છે કે, સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં એમ્પાયર હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી.
ઘટનાની જાણ થતા સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે ફરાર આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ચેક કરતા એક CCTVમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા.