- આ મહાશયને તેમના વિસ્તારના વિકાસ કરતાં પોતાના વિકાસની ચિંતા..??
- પોતાના વિસ્તારના સૂચનો કરતાં આ મહાશયને વાંધા અરજીઓમાં વધુ રસ હોય એમ લાગે છે..!!
વડોદરા મહાનગર પાલિકા ના ટાઉન પ્લાનિંગ વિભાગમાં પેધા પડેલા પશ્ચિમ વિસ્તારના કાઉન્સિલરથી કર્મચારીઓ અને બિલ્ડરો ત્રાસી ગયા છે. આ મહાશય તેમના વોર્ડ ની કચેરીએ ભાગ્યે જ જતાં હશે. જો કે ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરીમાં આ મહાશય નિયમિત આવે છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના એક કાઉન્સિલર પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરીમાં પેધા પડ્યા છે. આ કાઉન્સિલર પશ્ચિમ વિસ્તારમાં બનતી દરેક કન્સ્ટ્રકશન સાઈટ પર નજર રાખે છે. પશ્ચિમ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટોમાં બાંધકામ અંગે વાંધા અરજીઓ પોતે અથવા બીજાના નામે કર્યા કરે છે. વાંધા અરજીઓ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગમાં અડિંગો જમાવે છે અને અધિકારીઓને દમ મારે છે. સાંજ પડે ટાઉન પ્લાનિંગ વિભાગ ની કચેરીમાં દોડી આવતા આ મહાશય કેટલાક કર્મચારીઓને જાહેરમાં ખખડાવતા હોય છે. આ કાઉન્સિલર તેમના વિસ્તાર માટે સૂચનો નહીં કરતાં હોય એટલી વાંધા અરજીઓ ટાઉન પ્લાનિંગ વિભાગમાં કરતા હોય છે.
આ મહાશયને તેમના વિસ્તાર ના વિકાસની ચિંતા કરતાં પોતાના વિકાસની ચિંતા વધુ હોય એમ લાગે છે. પશ્ચિમ વિસ્તારના બિલ્ડરો આ મહાશયથી ત્રાસી ગયા છે. એક માહિતી મુજબ બિલ્ડરો ભેગા થઈ આ કાઉન્સિલર વિરુદ્ધ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજુઆત કરવાનું વિચારી રહ્યા છે. એક તરફ સરકાર વેપાર ધંધા વધે એવા પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ આવા કાઉન્સિલર વિકાસ માં રોડા નાખવા ઉતરી પડે છે.