- કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી
ગુજરાતમાં યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી એકપણ શહેરનું નામાંકન થયુ નથી. જેથી વડોદરાનો સાંસ્કૃતિક વારસો અને સુંદર સ્થાપત્યને ધ્યાને લેતા વડોદરા શહેર ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઇન તરીકે નામાંકન થઈ શકે છે, તે માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.
સ્થાયી સમિતીમા રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મુજબ UCCNની રચના વર્ષ 2004માં શહેરો વચ્ચે સહકાર અને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. જેને સસ્ટેઈનેબલ અર્બન ડેવલોપમેન્ટ માટે સર્જનાત્મકતાને વ્યૂહાત્મક પરિબળ તરીકે ઓળખી છે. UCCN પ્રોગ્રામ હેઠળ વિવિધ 7 ક્ષેત્ર પૈકી કોઇપણ એક ક્ષેત્રમાં નામાંકન કરવામાં આવશે. જેમાં ક્રિએટિવ સિટી ઓફ ક્રાફટ એન્ડ ફોક્ આર્ટ, ક્રિએટિવ સીટી ઓફ ડિઝાઇન ક્રિએટિવિટી ઓફ ફિલ્મ ક્રિએટિવિટી ઓફ ગેસ્ટ્રોનોમી, ક્રિએટિવિટી ઓફ લિટરેચર ક્રિએટિવિટી ઓફ મીડિયા આર્ટ અને ક્રિએટિવિટી ઓફ મ્યુઝિકનો સમાવેશ થાય છે.
હાલમાં 350 શહેરોનો નામાંકન UCCN Program હેઠળ થયેલ છે. જેમાં ભારતના 8 શહેર જેમ કે જયપુર, વારાણસી, ચેન્નઇ, મુંબઇ, હૈદરાબાદ, શ્રીનગર, ગ્વાલીયર અને કોઝીકોડેનો સમાવેશ થાય છે. આ શહેરોનું અલગ-અલગ કેટેગરીમાં નામાંકન થયેલું છે પરંતુ, ગુજરાતમાં એક પણ શહેર અત્યાર સુધી નામાંકિત થયેલ નથી.
વડોદરાનો સાંસ્કૃતિક વારસો અને સુંદર સ્થાપત્યને ધ્યાને લેતા વડોદરા શહેરને ક્રિએટીવ સિટીઝ ઓફ ડિઝાઈન તરીકે નામાંકન થઈ શકે છે. તે માટે UCCNમાં નોમીનેશન માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તથા અન્ય તમામ પૂર્તતા માટે ડોક્યુમેન્ટ્સ UCCNમાં સબમીટ કરાવીને તે અંગેની તમામ કામગીરી કરે તે માટે કન્સલ્ટીંગ એજન્સીની નિમણૂક કરવી જરૂરી છે. આ એજન્સી દ્વારા મહાનગરપાલિકામાં તમામ તબક્કે જરૂરી સંમતિ, મંજૂરી મેળવી નોમિનેશન માટેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરી તે અંગે EOIથી જાહેરાત આપી કન્સલ્ટિંગ એજન્સીની નિમણૂક કરવા તથા એજન્સીની કામગીરી માટે કન્સલ્ટન્ટને ચૂકવણું કરવા અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની મંજૂરી માટે સ્થાયી સમિતિમા દરખાસ્ત આવી છે.