- પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓની અલગ-અલગ બ્રિડથી ઉછરી રહેલા પક્ષીઓને વોક-ઇન એવીયરીમાં છોડવામાં આવ્યા, પક્ષીઓ-પ્રાણીઓના સ્ટેચ્યુ પણ મુકવાનું આયોજન
વડોદરા જૂનું અને જાણીતું શહેર છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરમાં અનેક ઐતિહાસિક અને ભવ્ય વારસો આજે પણ સચવાયેલા છે. 145 વર્ષ પૂર્વે ગાયકવાડી સરકારની દેણ અને શહેરીજનો તેમજ આસપાસના જિલ્લાના ગામ અને અન્ય શહેરો માટે ફરવાલાયક કમાટીબાગને નવા વર્ષે નવું નજરાણું મળ્યું છે. કમાટીબાગના 145માં જન્મદિવસે રૂપિયા 63 લાખના ખર્ચે તૈયાર કરાયેલા કેક્ટસ ગાર્ડન, બોન્સાઈ સેક્શન અને થ્રીડી એ.આર ડાઇનાસોર પાર્કનું લોકાર્પણ મેયર પિન્કીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા 145 વર્ષ પૂર્વે સયાજીબાગ એટલે કે કમાટીબાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે બાગમાં રાજ્ય સહિત દેશ ભરમાંથી અને વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે આજે પાલિકા દ્વારા કમાટીબાગના 145માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના સંદર્ભે સહેલાણીઓ માટે નવા ગાર્ડન અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે એવીયરીમાં વિદેશી પક્ષીઓને ખુલ્લા મુકવામાં આવ્યા છે.
આજે મેયર દ્વારા કમાટીબાગમાં તૈયાર કરવામાં આવેલા કેક્ટસ (થોર) અને બોન્સાઇ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત જીવંત ડાયનાસોરની અનુભૂતિ કરાવતા 3ડી એ.આર ડાયનાસોર પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક વર્ષ અગાઉ શરૂ કરાયેલી વોક-ઇન એવીયરીમાં નવા પક્ષીઓને પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓની અલગ-અલગ બ્રિડથી ઉછરી રહેલા પક્ષીઓને વોક-ઇન એવીયરીમાં છોડવામાં આવ્યા છે. જેનાથી સહેલાણીઓને વિદેશથી આવેલા પક્ષીઓ સાથે અન્ય પક્ષીઓ નિહાળી શકે છે.
કમાટીબાગમાં ફાઉન્ડેશન પોન્ડ, મેઝ ઓફ પ્લાન્ટ્સ, રેલવે સ્ટેશન, ગ્લો ગાર્ડન, એન્ટ્રન્સ ગેટ, વોક વે આર્કિટેક્ચર, સોલાર ટ્રી, ઇન્ફોર્મેશન બુથ, મહિલાઓ માટે પિંક ટોયલેટ, મેડિટેશન સેન્ટર, ગજીબો, ભૂલભૂલૈયા તેમજ કેનોપી મૂકવાનું આયોજન છે. તદુપરાંત અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના સ્ટેચ્યુ પણ મુકવાનું આયોજન છે.
બાગના જન્મદિવસને લઇ રોજ મોર્નિંગ વોકમાં આવતા સહેલાણી વિશ્વરાજ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, મને દુનિયામાં બધે ફરવાની તક મળી છે. ત્યારે કમાટીબાગ જેટલી મજા ક્યાંય આવતી નથી. હું 70 વર્ષથી આ બાગમાં આવું છું. અહીંયા ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને નવી નવી સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે. જે ખુબ જ સારી બાબત છે. અહીં સ્કૂલના બાળકો પણ આવે છે અને અન્ય પ્રવાસીઓ પણ, જેથી ખૂબ આનંદ મળે છે.
આ અંગે કોર્પોરેશનના સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ કમાટીબાગ સયાજીબાગ ગાર્ડન મહારાજાએ ભેટ આપ્યો છે. સયાજીરાવ ગાયકવાડની આ વિરાસત જળવાઈ રહે અને વધુ વિકસિત, વધુમાં વધુ સુવિધાઓ અને રીનોવેટ કરી શકાય તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે 145માં જન્મ દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે અહીં કામ કરતા વિવિધ વર્કરનું સન્માન કરવામાં આવ્યું હતું.