- વેપારીએ આપઘાત પૂર્વે 10 પાનાની સુસાઈડ નોટ લખી હતી કે, જેમાં આર્થિક ભીંસ અને પુત્રને IPS બનવા માટે જણાવ્યું
- વેપારીએ રૂમમાં પંખાના હૂક સાથે દોરડું બાંધીને ફાંસો ખાધો, અંતિમ શબ્દો લખ્યા- ‘ફાયનાન્સના રીકવરી એજન્ટોથી ત્રાસી ગયો છું’
શહેર નજીક દુમાડ ચોકડી પાસે આવેલ હોટલના 106 નંબરના રૂમમાં અમદાવાદના વેપારીએ આર્થિક ભીંસમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વેપારીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર અમદાવાદની જના સ્મોલ ફાયનાન્સના રિકવરી એજન્ટો, વ્યાજખોર પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિઓ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વેપારીએ આપઘાત પૂર્વે સુસાઈડ નોટ લખી હતી કે, જેમાં આર્થિક ભીંસ અને પુત્રને IPS બનવા માટે જણાવ્યું હતું.
વડોદરા શહેર નજીક દુમાડ-ગોલ્ડન ચોકડી હાઇ-વે ઉપર આવેલી તુલિપ હોટલમાં અમદાવાદમાં બોપલ વિસ્તારમાં 4/104, હાર્મોની એવલ વુડલ ટાઉનશીપમાં રહેતા મહાવીરસિંહ હરિસિંહ સરવૈયા (ઉંમર વર્ષ 46 ) તા.21 મેના રોજ તુલીપ હોટલમાં 106 નંબરના રૂમમાં રોકાયા હતા. આ દરમિયાન તેઓએ પોતાના રૂમમાં પંખાના હૂક સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. હોટલના કર્મચારીઓએ દરવાજો ખખડાવતા અંદરથી દરવાજો ન ખુલતા મેનેજર રોહિતભાઈ પટેલને જાણ કરી હતી. તુરંત તેઓએ આ અંગેની જાણ મંજુસર પોલીસને કરતા PSI આર.ડી. ડામોર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દરવાજો ખોલાવીને લાશનો કબજો લીધો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી બાજુ પોલીસે આપઘાત કરી લેનાર મહિપતસિંહ સરવૈયાના પરિવારજનોને જાણ કરતા તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આપઘાત કરનાર વેપારી એજ્યુકેશન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓના રૂમમાંથી 10 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના બાદ વ્યવસાય ઠપ થઇ જતાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો. બેન્કોમાંથી ધિરાણ લીધું હતું. લોન ભરપાઇ કરી દીધી હતી તેમ છતાં લેણદારો ઉઘરાણી કરવા આવતા હતાં. ત્રાસી ગયો છું. વધુમાં પરિવાર વિશે લખ્યું હતું કે, જેમાં તેઓએ પુત્રને સંબોધન કરતાં લખ્યું છે કે, બહેન અને મમ્મીનું ધ્યાન રાખજે. અને તારું IPS બનવાનું સપનું પૂરું કરજે. આ ઉપરાંત આર્થિક ભીંસ અને પરિવારના અન્ય સભ્યો વિશે લખ્યું હતું.
મંજુસર પોલીસે આ બનાવ અંગે તે સમયે આપઘાતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ બનાવમાં પોલીસે વેપારી મહાવીર સરવૈયાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર અમદાવાદ જના ફાઇનાન્સના રિકવરી કરનારા તેમજ વ્યાજખોર પિતા-પુત્ર સાહર ઇશ્વરભાઇ દેશાઇ તેનો પુત્ર વિશાલ સાહર દેશાઇ, મકાનનો બાનાખત કરી લેનાર જયેશ વાડીલાલ પટેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી છે.