- પોલીસે દારુનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શહેર નજીક ભણીયારા ગામ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે કારમાં ડ્રાઇવર સીટ નીચે દારૂની બોટલો છૂપાવીને જઇ રહેલા પાદરાના ઘાયજ ગામના બૂટલેગરને ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે બૂટલેગરનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે દારુનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે જિલ્લાના પાદરાના ઘાયજ ગામમાં રહેતો અને દારૂનો ધંધો કરતો બૂટલેગર ભણીયારા ગામની સીમમાં આવેલ હાલોલથી વડોદરા તરફ જવાના રોડ ઉપરથી રૂપિયા 23,110ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. બૂટલેગર કારની ડ્રાઇવર સીટ નીચે બનાવેલા ચોરખાનામાં દારૂની બોટલો મૂકી પાદરા જઇ રહ્યો હતો. પોલીસે દારૂની 105 બોટલ તેમજ કાર મળી કુલ રૂપિયા 1,23,110નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાદરાના ઘાયજ રોડ પર રહેતો અશ્વિન ઉર્ફે ગગી જણસારી દારુનો ધંધો કરનાર બૂટલેગરને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં વડોદરા સહિત અન્ય છ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલો હતો. તેમ છતાં બૂટલેગર ગગી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો.
એલસીબી પોલીસ સ્ટાફના કનુભાઈ, ભારસીંગભાઈ તેમજ મેહુલસિંહ, અનુપસિંહ તથા મુકેશભાઈ પેટ્રોલિંગમાં હતા. તે સમયે દારૂ ભરેલી કાર જરોદથી વડોદરા તરફ જનાર છે, જે હકીકતના આધારે ભણીયારા ગામની સીમમાં આવેલ હાલોલથી વડોદરા તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન અશ્વિન ઉર્ફે ગગી ચંદુલાલ જનસારી (રહે. સર્જનમ સોસાયટી, ઘાયજરોડ, પાદરા) પસાર થઇ રહ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
બૂટલેગર અશ્વિને પોલીસ જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધો હતો. પોલીસ કારમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી. બૂટલેગર દ્વારા સીટ નીચે છૂપાવેલી દારૂની બોટલો જોઈ પોલીસ પણ બૂટલેગરની ટેક્નિક જોઈ ચોકી ઉઠી હતી. બૂટલેગર અશ્વિન સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.