- પોલીસે બોગસ ડોક્ટરની ક્લિનીકમાંથી દર્દીઓ પાસેથી ફી પેટે વસુલ કરેલા 1680 તેમજ દવાઓ, ઇન્જેક્શનો મળી રૂા.32,627નો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગના અંધેર તંત્રના પગલે જિલ્લામાં અનેક એવા મેડિકલ ડીગ્રી વગરના તબીબ લોકોના આરોગ્ય સાથે ચેકાં કરી રહ્યા છે. શહેર નજીક આવેલા રાયપુર ગામમાંથી કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ ડોક્ટર ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 12 સાયન્સ સુધી ભણેલો આ બોગસ ડોક્ટર છેલ્લા 18 વર્ષથી પ્રેક્ટીસ કરી રહ્યો હતો છતાં જિલ્લા આરોગ્ય વિભાગને ખબર ન પડી. તાલુકા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે ક્લિનીકમાંથી દર્દીઓ પાસે ફી પેટે લીધેલી રોકડ રકમ તેમજ દવાઓ મળી કુલ રૂપિયા 32 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. યુ. ગોહિલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવિસ પરગણાના બોયકોલા ગામથી વડોદરામાં સ્થાયી થયેલા અને રાયપુરા ગામમાં વગર ડીગ્રીએ ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા અસીમકુમાર બીમલકુમાર સંખારીની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. આશરે 48 વર્ષિય અસીમકુમાર સંખારી છેલ્લા 18 વર્ષથી રાયપુર ગામમાં રહેતો હતો. ગામમાં જ ક્લિનીક ખોલીને દર્દીઓની સારવાર કરતો હતો. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા અસમીકુમાર સંખારી સામે તાલુકા પોલીસ મથકમાં મેડિકલ પ્રેકટીસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મેડિકલ ડીગ્રીની તપાસ માટે તાલુકા મેડિકલ ઓફિસરને સાથે રાખવામાં આવ્યા હતા. પોલીસે બોગસ ડોક્ટરની ક્લિનીકમાંથી દર્દીઓ પાસેથી ફી પેટે વસુલ કરેલા રૂપિયા 1680 તેમજ દવાઓ, ઇન્જેક્શનો મળી કુલ રૂપિયા 32,627નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું હતું કે, અવાર-નવાર અમારા મેડિકલ ઓફિસરોની ટીમો દ્વારા ગામડાઓમાં પ્રેકટીસ કરતા ડોક્ટરોના સર્ટીફિકેટની ચકાસણી કરે છે. પરંતુ, રાયપુરા ગામમાં 18 વર્ષથી પ્રેકટીસ કરનાર આ વ્યક્તિના સર્ટીફિકેટ કેમ તપાસ કરાયા નથી. તે અંગે તપાસ કરનાર મેડિકલ ઓફિસરને નોટિસ આપવામાં આવશે. અલબત્ત, રાયપુરા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયા બાદ જિલ્લાના ગામોમાં પ્રેકટીસ કરનાર તમામ ડોક્ટરોના સર્ટીફિકેટોની તપાસ કરવામાં આવશે. આ બનાવ અંગેની વધુ તપાસ પી.એસ.આઇ. જે. યુ. ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયદીપસિંહ કરી રહ્યા છે.