- અર્જુનને માથામાં અને મોંઢામાં ગંભીર ઇજા પહોંચતા સ્થાનિકોએ એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
વડોદરા-કરજણ હાઇ-વે પર નોકરી કરીને જઇ રહેલા બાઇક ચાલકનું અજાણ્યા વાહનની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું. બાઇક ચાલક યુવાન નાઇટ શિફ્ટ પૂરી કરીને સવારે ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઇ-વે પર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના બેડીયા ગામના વતની અને હાલ કરજણ તાલુકાના જૂના બજાર ખાતે આવેલ એટલાસ રેસીડેન્સીમાં સંયુક્ત પરિવારમાં રહેતો 24 વર્ષીય અર્જુન ગણેશભાઇ રાઠવા વેમારડી રોડ ઉપર આવેલ ટી.ટી.કે. પ્રેસ્ટીજ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. અર્જુન નાઇટ શિફ્ટમાં તે નોકરી ગયો હતો અને નાઇટ શિફ્ટમાં નોકરી કરી વહેલી સવારે પોતાની બાઇક લઇ ઘરે જવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન અર્જુન નેશનલ હાઇ-વે પર શિવશક્તિ નર્સરી સામેથી પસાર થતો હતો. તે દરમિયાન પૂર ઝડપે પસાર થઇ રહેલા અજાણ્યા વાહને તેની બાઇકને અડેફેટે લેતા રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો. જેમાં તેને માથામાં અને મોંઢામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત અર્જુન રાઠવાને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અર્જુનને અકસ્માત થયો હોવાની જાણ પરિવારને થતાં મોટો ભાઇ અનિલભાઇ રાઠવા તેમજ પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. અર્જુનના મોતને પરિવારમાં ગમગીની ફેલાવી દીધી હતી. તે સાથે અર્જુન જે કંપનીમાં નોકરી કરતો હતો. તે કંપનીમાં અર્જુનના મોતના સમાચાર પહોંચતા ગમગીની ફેલાઇ ગઇ હતી.