- આરોપી ઇસ્તિકબાલ હૌસૈન અબુલ કાસેમ (ઉ.વ.૩૦) કસ્ટમર સર્વિસ પોઇન્ટ ચલાવી અંતરિયાળ ગામોમાં બેન્કિંગ અને ઓટીએમની સુવિધાનું કામ કરતો હતો
બ્લુડાર્ટની ફેક કસ્ટમર વેબસાઇટ બનાવી વડોદરાના ફાર્માસિસ્ટ પાસે ફોર્મ ભરાવીને રૂપિયા ૩ લાખ પડાવી લેનાર ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના એક આરોપીને વડોદરા સાયબર સેલે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડયો છે.
ગોરવાના વૃન્દાવનપાર્કમાં રહેતા અને કોર્પોરેશનમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા રાકેશભાઇ મોદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે, ડિસેમ્બર-૨૦૨૩માં મારે મારા મિત્રને યુએસમાં એક કુરિયર મોકલવાનું હોવાથી ગુગલમાં બ્લુ ડાર્ટ કુરિયરની સાઇટ તપાસી હતી. જેમાં કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં ઠગો દ્વારા તેમને વ્હોટ્સએપ પર બુકિંગ ફોર્મ મોકલવામાં આવ્યું હતું. જેમાં વિગતો ભરાવી રૂપિયા ૫ જમા કરાવતા ગુગલ પે એપ્લિકેશન ઓપન થઇ હતી. જેમાં તેઓએ પોતાનો પીન નંબર નાખ્યો હતો. જે કપાતા નહીં તેઓને જણાવવામાં આવ્યું કે, બીજે દિવસે માણસ આવીને કવર અને રૂપિયા ૭૦૦ લઇ જશે તેમ કહી તેમણે ફોન મૂકી દીધો હતો.
બીજે દિવસે માણસ નહિં આવતાં રાકેશભાઇએ ફોન કર્યો હતો. જેથી કુરિયર બોયે એક દિવસ પછી આવીશ તેમ કહેતાં રાકેશભાઇએ પોતાનું કુરિયર બીજા કુરીયર મારફતે મોકલી આપ્યું હતું. ત્યારબાદ તેઓને બેંક મારફતે જાણ થયેલી કે તેઓના ખાતામાંથી યુ.પી.આઇ ટ્રાન્ઝેક્શન થયા હતા. તેઓ સાથે નાણાંકીય છેતરપિંડી થયા હોવા બાબતેની ફરિયાદ આપતા વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપી શોધખોળ શરૂ કરી હતી.
આ ફરિયાદ અંગે સાયબર સેલના પીઆઇ સિદ્દિકી અને ટીમે તપાસ કરતાં પશ્રિમ બંગાળના મુરસીદાબાદ ખાતે રહેતા ઇસ્તિકબાલ હૌસૈન અબુલ કાસેમને ઝડપી પાડયો હતો. આરોપી તેના વિસ્તારમાં કસ્ટમર સર્વિસ પોઇન્ટ ચલાવી દૂરના વિસ્તારોમાં બેન્કિંગ અને એટીએમને લગતી સુવિધા પુરી પાડવાનું કામ કરતો હતો. જેનો લાભ ઉઠાવીને તેણે અભણ મજુરોના ફોટા તેમજ ફિંગર પ્રિન્ટ મેળવી ઓનલાઇન KYC પ્રક્રિયા મારફતે તેઓની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલાવીને તેઓના બેંક એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડનાં નાણા મેળવવાં સારું સહઆરોપીઓને આપીને આર્થિક લાભ મેળવતો હતો. જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.