હાલોલમાં માતા સાથે રહેતી વડોદરાની પરિણીતાએ ગૃહકલેશમાં કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

પતિ સાથે અણબનાવ થતાં પરિણીતા છેલ્લા એક વર્ષથી માતાના ઘરે રહેતી હતી

MailVadodara.com - A-Vadodara-woman-living-with-her-mother-in-Halol-cut-short-her-life-by-throwing-herself-into-the-canal-in-the-civil-strife

- માતા-પુત્ર સાથે એકલવાયી જિંદગી જીવતી પરિણીતા પુત્રને સ્કૂલે મૂકી ઘર આવવાના બદલે સીધી ખંડીવાડા નર્મદા કેનાલ ખાતે પહોંચી હતી

- પરિણીતાએ નર્મદા કેનાલમાં પડતું મૂકતા પહેલાં તેના કાકીને ફોન કરી હું કેનાલમાં મરવા માટે જાવ છું તેમ જણાવી ફોન કાપી નાંખ્યો હતો


હાલોલમાં છેલ્લા એક વર્ષથી માતા અને છ વર્ષના પુત્ર સાથે રહેતી વડોદરાની પરિણીતાએ પતિથી કંટાળીને જરોદ પાસેથી પસાર થતી ખંડીવાડા નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કાકીને ફોન કરીને આપઘાત કરવા નીકળી હતી. ગૃહકલેશમાં આવેશમાં આવી આપઘાત કરી લેવાના કારણે છ વર્ષના પુત્રએ માતાનું હેત ગુમાવવાનો વખત આવ્યો છે.


મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના હાલોલમાં હરીજનવાસમાં રહેતા સંતોષભાઇ સોલંકીની દીકરી સોનલના લગ્ન આઠ વર્ષ પહેલાં વડોદરામાં વિકલેશ ક્વાટર્સમાં રહેતા જયેન્દ્ર પ્રવિણભાઇ સોલંકી સાથે થયા હતા. આઠ વર્ષના લગ્નજીવનમાં તેઓને છ વર્ષનો પુત્ર હેત છે. સોનલને પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા એક વર્ષથી તે પુત્ર હેત સાથે હાલોલ તેની માતા હંસાબહેન સાથે રહેવા આવી ગયા હતા.


હાલોલમાં માતા અને પુત્ર સાથે રહેતી સોનલ ઘરનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા સાત માસથી હાલોલમાં આવેલી ઇન્દુ બ્લડ બેંકમાં નોકરી કરતી હતી. પતિ વગર માતા અને પુત્ર સાથે એકલવાયી જિંદગી જીવતી સોનલ ગતરોજ સવારે પુત્ર હેતને લઇ સ્કૂલે મૂકવા માટે ગઇ હતી અને સ્કૂલેથી ઘર પરત આવવાના બદલે સીધી ખંડીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે પહોંચી ગઇ હતી. સોનલે નર્મદા કેનાલમાં પડતું મૂકતા પહેલાં તેના કાકી મનિષાબહેન સોલંકીને ફોન કર્યો હતો અને કાકીને જણાવ્યું કે, હું કેનાલમાં મરવા માટે જાવ છું. તેમ જણાવી ફોન કાપી નાંખ્યો હતો. કાકી તેમજ પરિવારન અન્ય સભ્યોએ સોનલનો ફોન ઉપર પુનઃ સંપર્ક કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, સોનલે ફોન બંધ કરી દીધો હોવાથી સંપર્ક થઇ શક્યો ન હતો. જેને પગલે પરિવારજનો હાંફડા-ફાંફડા થઇ સોનલે જણાવેલ ખંડીવાડા નર્મદા કેનાલ ખાતે દોડી ગયા હતા. જાેકે કેનાલ ઉપર લોકોનું ટોળું જોઇ ચોંકી ઉઠ્યા હતા. પરિવારજનોએ કેનાલના પાણીમાં તરી રહેલી લાશ જોતા તે સોનલની હોવાનું જણાઈ આવ્યું હતું અને કેનાલ પર પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.


આ દરમિયાન બનાવની જાણ જરોદ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી સોનલના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતો અને જરોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી સોનલના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે જરોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આપઘાતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments