અયોધ્યાના રામજી મંદિર માટે વડોદરાના રામભક્તે 108 ફૂટ લાંબી, 3.5 ફૂટ પહોળી ધૂપસળી બનાવી

1લી જાન્યુઆરીએ ધૂપસળીને ભવ્ય રથમાં વડોદરાથી અયોધ્યા લઈ જવા રવાના કરાશે

MailVadodara.com - A-Vadodara-Rambhakta-made-a-108-feet-long-3-5-feet-wide-incense-burner-for-Ayodhyas-Ramji-temple

- 3,500 કિલો વજનની આ અગરબત્તી સળંગ દોઢ મહિના સુધી પ્રજ્વલીત રહેશે

- વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 1800 કિ.મી.નું અંતર કાપીને ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામમંદિર ખાતે પહોંચાડાશે


અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરી-2024ના રોજ ભગવાન શ્રી રામલલ્લા મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તે ઉત્સવને વધુ દિપાવવા વડોદરાના રામભક્ત એવા ગૌપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી (અગરબત્તી) બનાવી છે. જેનું અંદાજે વજન 3500 કિગ્રા છે. જે અગરબત્તીને પ્રાટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 1લી જાન્યુઆરી વાજતેગાજતે રવાના થશે. 

વર્ષોથી આતૂરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે. એવા સમયે વડોદરાના રામભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળકાય ધૂપબત્તી અર્પણ કરવાના છે. 


શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા વિહાભાઇ ભરવાડે પોતાના ઘર પાસે જ છ મહિનાથી રોજ અઢીથી ત્રણ કલાકનો સમય ફાળવીને એકલા હાથે આ ધૂપસળી બનાવી છે. 

વિહાભાઇએ જણાવ્યું હતું કે, કરોડો હિન્દુઓ માટે સુવર્ણ અવસર આવ્યો છે. ત્યારે આ ઉત્સવમાં હું મારી પણ ભાગીદારી નોંધાવવા માગું છું. તે માટે મેં આ અગરબત્તી તૈયાર કરી છે આ અગરબત્તી 108 ફૂટ લાંબી છે અને સાડા ત્રણ ફૂટ પહોળી છે.


અગરબત્તીમાં 376 કિલો ગુગળ, 376 કિલો કોપરાનું છીણ, 280 કિલો જવ, 280 કિલો તલ, 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 3,500 કિલો વજનની આ અગરબત્તી દોઢ મહિનો અખંડ ચાલશે અને અયોધ્યા રામ મંદિરની આસપાસના 50 કિલોમીટરની ત્રિજ્યામાં સુવાસ ફેલાવી અને પોઝિટિવ વાતાવરણ ઊભું કરશે. આ અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે. અગરબત્તી તૈયાર કરવા માટે તમામ પ્રકારની શુદ્ધતા અને પવિત્રતાની જાળવણી કરવામાં આવી છે. અમારી ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગરબત્તીને પ્રજ્વલિત કરે. ચોમાસા દરમિયાન વરસાદને ધ્યાને રાખીને તેમણે ધૂપબત્તી પર પાતળા પ્લાસ્ટિકનું રેપર લગાવ્યું હતુ. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ ધૂપસળી બનીને તૈયાર થઈ જશે.


ઉલ્લેખનીય છે કે, આ ધૂપસળીને ખુબ સાવચેતી પૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે તેમાં ધૂપસળીને મૂકશે. જે રથ વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 1800 કિ.મી.નું અંતર કાપીને ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામમંદિર ખાતે પહોંચાડાશે. જ્યાં આ ધૂપસળી એક વાર પ્રગટાવ્યા બાદ તે સતત દોઢ મહિનો એટલે કે અંદાજે 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. આ વિહા ભરવાડે સૌથી પહેલા 111 ફૂટ લાંબી ધૂપસળી બનાવી હતી.

આ વિશાળ ધૂપસળીનો શોભારથ વડોદરાથી હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, અરવલ્લી, મોડાસા, શામળાજી થઈને ગુજરાતની બોર્ડર ક્રોસ કર્યા બાદ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જ્યાં ખેરવાડા, ઉદેપુર, માલવાડા, સાવરીયા શેઠ મંદિર, ચિત્તોડગઢ, ભીલવાડા, દાદીયા, કિશનગઢ, ગુધુ બગરુ, જયપુર, ઘોસા મહેંદીપુર, બાલાજી ચોરાયા, ભરતપુર, ફતેપુર, સીકરી, આગ્રા, લખનઉ એક્સપ્રેસ વે થઈને ઈટાવા, કાનપુર, ઉનાઓ, લખનઉ, બારાબંકી થઈને અયોધ્યા ખાતે પહોંચશે.

Share :

Leave a Comments