- દીવો પ્રગટાવવા માટે ઘી 851 કિલો સમાઈ શકે છે, તેના પર ચડવા 8 ફૂટની સીડી પણ બનાવાઇ
- દીવો અયોધ્યા પહોંચતા છથી સાત દિવસ લાગશે, રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે
સમગ્ર દેશ આગામી 22મી જાન્યુઆરીના દિવસની રાહ જોઈને બેઠો છે. આ વચ્ચે વડોદરાના રામભક્તો ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક અલગ રીતે ઉભરાવા માંગે છે. વડોદરાના રામભક્ત દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બાદ અન્ય એક રામભક્ત પંચધાતુમાંથી 1100 કિલો વજનનો દીવો તૈયાર કર્યો છે. જેની 9.25 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોંળાઈ છે અને તેમાં 851 કિલો ઘી સમાવાની ક્ષમતા છે. ભવ્ય કાર્યક્રમ થકી આ દીવો અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામભક્તિ દર્શાવી છે. રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો છે. આ દીવો રામ મંદિરમાં મુકાશે. તેઓએ બનાવેલ આ ભવ્ય દીવો 1100 કિલો વજન અને 9.25 ફૂટ ઊંચાઈ, 8 ફૂટ પહોળાઈ અને 851 કિલો ઘી સમાઈ શકે, તે પ્રકારનો આ દીવો તૈયાર કર્યો છે. જે રામ મંદિર અયોધ્યા ખાતે પહોંચાડવા માટે રવાના કરવામાં આવ્યો છે.
દીવો બનાવનાર અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વિચારતો ઘણા સમયથી મારા મનમાં ચાલતો હતો. વડોદરામાં ગોપાલક સમાજ દ્વારા 108 ફૂટની ભવ્ય અગરબત્તી બનાવી તેના પરથી વિચાર આવ્યો કે અગરબત્તી જોડે જો દીવો હોય તો સારો સેટ થાય. આ વિચાર કરી મેં દીવો બનાવવાનું નક્કી કર્યું હતું. આ દીવા માટે મારી ચાર ડિઝાઇન ફેલ ગઈ છે અને પાંચમી ડિઝાઈનને આ દીવાનો શેપ આવ્યો અને આ દીવો તૈયાર થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ દીવાની ઊંચાઈ 9.25 ફૂટ છે. આ દીવો પ્રગટાવવા માટે ઘી 851 કિલો સમાઈ શકે છે. તેના પર ચડવા માટે 8 ફૂટની સીડી બનાવી છે. આ દીવો પંચધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન 1100 કિલો છે. આ માટે ભગવાને મારું સાંભળ્યું અને રામ મંદિર અયોધ્યા ખાતે આ દીવો જશે અને 22 તારીખે દેશ-દુનિયા આ દીવાને જોશે. આ દીવો પહોંચતા છથી સાત દિવસ લાગશે. રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે, તેવી તૈયારીઓ ચાલી રહી છે.