- ગુલઝાર કુરેશી નામના યુવકે 15 મિનિટ પાવર લખી ઓવૈસીની પોસ્ટ એડિટ કરી ફેલાવી હતી, બનાવના પગલે જરોદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો
ડોદરા શહેરમાં હજુ રામ નવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના પગલે થયેલા કોમી છમકલાંનો વિવાદ શમ્યો નથી ત્યાં વડોદરા નજીક આવેલા જરોદ ખાતે લઘુમતી યુવકે વિવાદીત પોસ્ટ કરતાં રહીશોમાં રોષ વ્યાપ્યો છે. જરોદમાં કોમી લાગણી દુભાવે તેવો અને વડાપ્રધાનની વિરુદ્ધ ભડકાઉ વીડિયો વાઈરલ કરનાર મુસ્લિમ યુવકની જરોદ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે જરોદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
જરોદ વિસ્તારમાં કોમી વૈમનસ્ય ફેલાવાના ઈરાદે લઘુમતી કોમના વાઘોડિયાના જરોદ ગામના યુવાને સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોના હેડિંગમાં 15 મિનિટ પાવર લખી (મૂળ હૈદરાબાદના ધારાસભ્ય અસદુદીન ઓવૈસીની પોસ્ટને એડિટ કરી હતી) ઉત્તેજિત શબ્દોવાળો વીડિયો કોઇ કોમ્યૂનલ બનાવ વખતના વીડિયોમાં એડિટિંગ કરી મૂકેલો હતો.હિન્દુ સંગઠનના જાગૃત નાગરિકોને જરોદ બજારમાં ઈન્ટરનેટ પર ફરતા વાઇરલ વીડિયોની જાણકારી મળી હતી.
વીડિયો મોકલનાર જરોદ ગામમાં ભાલિયા વગામાં રહેતા તથા મૂળ ડભોઇ મહુડી ભાગોળ ખાતેના ગુલઝાર અનવરભાઇ કુરેશીએ પોતાના મોબાઇલ ફોન નંબર ઉપરથી પોસ્ટ કર્યાની જાણકારી મળી હતી. જેને પગલે જરોદ પોલીસે ગુલઝાર કુરેશીની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જરોદ શ્રીજી પોળમાં રહેતા કિરણસિંહ લક્ષ્મણસિંહ પરમારની ફરિયાદના આધારે ગુલઝાર કુરેશી સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. જરોદ પીઆઈ બી.એલ.તડવીએ જણાવ્યું હતું કે, યુ ટ્યૂબ પરથી ઓવેસીના વીડિયોને એડિટ કરીને વીડિયો બનાવ્યો હતો. જેથી તેની સામે પગલાં ભરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી ગુલઝાર કુરેશી જરોદમાં મટન શોપ ધરાવે છે. આરોપીએ કેટલા લોકો સાથે આ વીડિયો શેર કર્યો છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ તેની સામે કોઈ ગુનો દાખલ થયેલો છે કે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.