- બનાવ અંગે જાણ થતા દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો
શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા વ્રજ સિદ્ધિ ટાવરની બહાર સવારે સીએનજી ઇકો કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. બનાવ અંગે જાણ થતા દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા જણાવ્યા મુજબ આગ આગળના બોનેટના ભાગે લાગી હતી પરંતુ કારની ઘટનાના ફોટામાં આગ વચ્ચેના ભાગેથી અથવા પાછળના ભાગેથી લાગી હોવાનું જણાય આવે છે. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.
કારના માલિક ગણપતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના છે અને ખોડીયાર નગર પાસે રહે છે. વ્રજ સિદ્ધિ ટાવરમાં તેમની મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે. આજે સવારે 10 વગ્યાની આસપાસ તેઓએ ગાડી પાર્ક કરી હતી. ત્યારબાદ 12 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. અંદાજે બે લાખ રૂપિયાનું કારનું નુકસાન થયું હશે. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.