- પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો
વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલા એચપી પેટ્રોલ પંપની સામે સીએનજી કારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચેલા પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ આગની ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના સરદાર એસ્ટેટ કમળા નગર તરફ જતા એચપી પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલ એક કારમાં એકાએક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. તુરંત જ બનાવની જાણ થતા પાણીગેટ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની થતા ટળી હતી. જોકે આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર મેન સુરેશભાઈ ભાલીયા ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર એન્ડ કમાન્ડ સીટી કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો. એચપી પેટ્રોલ પંપની સામે આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે કારમાં આગ લાગી છે. જેથી અમે તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સીએનજી કાર હતી જે આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થયું છે. કોઈ જાનહાની થઈ નથી.