- હત્યારાઓને શોધવા 200 પોલીસ જવાનોએ શોધખોળ શરૂ કરી, 16 એપ્રિલે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા છતાં હજુ સુધી માથું શોધવામાં પોલીસને સફળતા મળી નથી
- હત્યારાઓને પકડવા જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ, મૃતક વૃદ્ધ છેલ્લે શોભાયાત્રામાં જોવા મળ્યા હતા
પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતીકામ કરી જીવન પસાર કરી રહેલા 75 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહિલની નિર્મમ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. કાળજું પણ કંપી ઊઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઇ ગયેલા હત્યારાઓને શોધવા 200 પોલીસ જવાનોએ શોધખોળ શરૂ કરી દીધી છે. 16 એપ્રિલે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા છે ત્યારે 18 એપ્રિલ સુધી માથું શોધવામાં પોલીસને સફળતા મળી નથી. ઉલ્લેખનીય છે કે બલિ ચઢાવવા અંગેના એંગલ પર પણ તપાસ થઈ રહી છે.
વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં રહેતા 75 વર્ષના વૃદ્ધનું માથું કાપીને લઇ જવાની ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. કાળજું પણ કંપી ઊઠે તેવી હચમચાવી નાખતી આ ઘટનાનો ભેદ ઉકેલવા 200 ઉપરાંત જવાનોએ આસપાસના ત્રણ કિલોમીટર સુધીનાં ખેતરો ખૂંદી નાખ્યાં છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઇ કડી મળી નથી. હત્યારાઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી છે. ડોગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળેથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, વૃદ્ધ કુબેરભાઇ ગોહિલના હત્યારાઓને માથા સાથે પકડવા જિલ્લા પોલીસ માટે પડકારરૂપ છે. જોકે, વિવિધ દિશામાં અને વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. ગણતરીના કલાકોમાં માથા સાથે ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢીશું.
ઉલ્લેખનીય છે કે, કુબેરભાઇ ગોહિલ પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું પણ કામ કરતા હતા. તેઓ છેલ્લે દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. મૃતકનાદીકરા મોજનનું 25 વર્ષની ઉંમરે બીમારીથી અવસાન થયા બાદ એકલા રહેતા પિતાને મળવા ચોકારી ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સોમજીપુરા ગામની સીમમાં પરિવાર સાથે રહેતી દીકરી કોકીલાબેન અર્જુનભાઇ પઢિયાર પુત્ર વિજય સાથે અવારનવાર આવતી હતી. છેલ્લે ગત શનિવારે (12 એપ્રિલે) પિતાને મળી હતી.
મૃતક કુબેરભાઇ ગોહિલ સહિત ત્રણ ભાઇઓ છે. ત્રણેય ભાઇઓ વચ્ચે અઢી વીઘા જમીન હતી. ભાગ પડ્યા બાદ ત્રણેય ભાઇઓ પોતપોતાની રીતે ખેતી કરે છે. જોકે, એક ભાઇ ચંદુભાઇ ગોહિલનું અવસાન થયેલું છે. તેમના બીજા ભાઇ લક્ષ્મણભાઇ તેમના પરિવાર સાથે ચોકારી ગામની સીમમાં રહે છે. પોલીસે આ ઘટના બાબતે પરિવારજનોની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની ફરિયાદ કુબેરભાઈની દીકરી કોકીલાબેન અર્જુનભાઇ પઢિયારે વડુ પોલીસ મથકે નોંધાવી છે. આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. સમગ્ર ગામમાં દહેશત અને ચકચારનું વાતાવરણ છે. ગ્રામજનો આરોપીઓને ઝડપથી પકડવાની માગ કરી રહ્યા છે. હાલ પોલીસે ધડનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો છે.