એમ્બ્યુલન્સની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 66 વર્ષીય એક્ટિવાચાલકનું સારવાર દરમિયાન મોત

માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે 15 જુલાઈએ અકસ્માતની ઘટના બની હતી

MailVadodara.com - A-66-year-old-active-driver-who-was-seriously-injured-after-being-hit-by-an-ambulance-died-during-treatment

- અકસ્માતના સીસીટીવીમાં પૂરપાર ઝડપે આવતી એમ્બ્યુલન્સે એક્ટિવા ચાલકને ટક્કર મારતા વૃદ્ધ 5 ફૂટ દુર પટકાયા હતા


વડોદરા શહેરના માંજલપુરની શ્રેયસ સ્કૂલ પાસે ગત 15 જુલાઈ એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા લઈને જઈ રહેલા 66 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેનું આજે (20 જુલાઈ) સારવાર દરમિયાન તેમનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાર ઝડપે આવતી એમ્બ્યુલન્સ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારતા વૃદ્ધ પાંચ ફૂટ જેટલા ઉંચા ઉછળી દુર જઈને પટકાય છે. આ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ ચાલક વૃદ્ધને નજીકના ખાનગી હોસ્પિટલમાં પહોંચાડીને જતો રહ્યો હતો. જેથી વૃદ્ધના પુત્રએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા દિપ શાહના પિતા ભૂપેન્દ્રભાઈ (ઉં.વ.66) દુધ કેન્દ્ર ચલાવે છે અને દુધ વિતરણ પણ કરે છે. ગત સોમવારના (15 જુલાઈ) રોજ રાબેતા મુજબ સવારે 5 વાગ્યે દુધ કેન્દ્ર પર ગયા હતા અને બાદમાં તેઓ દુધ વિતરણ માટે ગયા હતા. સવારે 7 વાગ્યાના અરસામાં તેઓ શ્રેયસ સ્કૂલ પાસે પહોંચ્યા, ત્યારે એક એમ્બ્યુલન્સ વાન પૂર ઝડપે આવી હતી અને વૃદ્ધને જોરદાર ટક્કર મારતા પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.


અકસ્માત થતાં એમ્બ્યુલન્સ ચાલક વૃદ્ધને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ બાબતે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર દિપને જાણ થતાં તે પણ હોસ્પિટલ દોડી ગયો હતો. જોકે, આ દરમિયાન એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી જતો રહ્યો હતો. સારવાર દરમિયાન આજે વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાબતે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પચંમહાલ પાસિંગની પરમાર નટવરલાલ ડાહ્યાભાઈની હતી. તેનું ફિટનેસ સર્ટીફિકેટ ગત વર્ષે 23 માર્ચે પૂરુ થઈ ગયું હતું. આ ઉપરાંત તેની ઇન્સ્યોરન્સ પોલિસી પણ ગત વર્ષે 4 માર્ચે પૂરી થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દરેક ખાનગી હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ હોય છે. આ ઉપરાંત સરકારી 108 એમ્બ્યુલન્સ પણ છે. આરટીઓમાં શહેરની 937 એમ્બ્યુલન્સ રજીસ્ટર છે. આરટીઓના ધારા-ધોરણ પ્રમાણે જો એમ્બ્યુલન્સ વેનને 8 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો દર વર્ષે તેનું ફિટનેસ સર્ટી લેવું જરૂરી છે. જો એમ્બ્યુલન્સને 8 વર્ષ નથી થયા તો દર 2 વર્ષે તેનું ફિટનેશ સર્ટી લેવાની જોગવાઈ છે. આ ઉપરાંત વાહને એમ્બ્યુલન્સ પ્રકારમાં રજીસ્ટર કરાવવાનું રહે છે.

Share :

Leave a Comments