- અકસ્માસ્ત અંગેની જાણ થતા બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો, ડમ્પર પાલિકાના કોન્ટ્રાકટરનું હોવાનું સામે આવ્યું!
વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં ડમ્પરની અડફેટે એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. શહેરના અક્ષર ચોક વિસ્તારમાં કલાલી બ્રિજ પર આ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી અનાબિયા રેસીડેન્સીમાં રહેતા રફીકખાન પઠાણ (ઉંમર વર્ષ 60) કે જેઓ અક્ષરચોક તરફથી ખિસકોલી સર્કલ તરફ જતા હતા. તે દરમિયાન ડમ્પરચાલકે અડફેટે લેતા ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માસ્ત અંગેની જાણ થતા બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં અટલાદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
આ બનાવ અંગે અટલાદરા પોલીસે ડમ્પરચાલક નરેન્દ્રકુમાર રાયસીંગભાઈ પાટણવાડીયા (ઉંમર વર્ષ 26 રહે બી 12, બાદશાહનગર, એરફોર્સ સ્ટેશન પાછળ, મકરપુરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો અનુસાર આ ડમ્પર વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાકટરનું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહનો પોલીસે કબ્જો લઈ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.