- મગરને મોઢાના ભાગે ગંભીર ઇજા અને કેટલાક ભાગ કપાયેલા હતા, મગર જીવતો હોવાથી વડોદરા લાવી સારવાર શરૂ કરાઇ
વડોદરા નજીક રેલવે ટ્રેક પર ગઈ મધરાતે 6 ફુટનો મગર લોહી લુહાણ હાલતમાં મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેની સારવાર કરાવવામાં આવી રહી છે.
વડોદરા અને ડભોઇ વચ્ચે ભીલાપુર ગામ નજીક ગઈ મધરાતે રેલવે ટ્રેક પર એક મગર લોહીથી લથબથ હાલતમાં નજરે પડતા રેલવે કર્મચારીએ જીવદયા સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી.
જીવદયા સંસ્થાના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે મગરને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને કેટલાક ભાગ કપાયેલા હતા. મગર જીવતો હોવાથી તેને તાકીદે વડોદરા લાવવામાં આવ્યો હતો અને ફોરેસ્ટ વિભાગને સોંપાતા સારવાર શરૂ કરવામાં આવી છે.
આ મગર રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનમાં આવી ગયો હોવાનું મનાય છે. મગરને બચાવી લેવા માટે તબીબી ટીમ દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે.