વડોદરાના દેણા ગામના રોડ ઉપર મોડી રાત્રે લટાર મારવા નીકળેલા 6.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું

મહાકાય મગરને જાેવા લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા

MailVadodara.com - A-6-5-foot-crocodile-was-rescued-from-a-late-night-stroll-on-the-road-of-Dena-village-in-Vadodara

- જીવદયા સંસ્થાએ મગરને પીંજરામાં પૂરતા ગ્રામજનોએ રાહત અનુભવી


શહેર નજીક આવેલા દેણા ગામના રોડ ઉપર મોડી રાત્રે સાડા છ ફૂટનો મહાકાય મગર ધસી આવતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રોડ ઉપર લટાર મારી રહેલો મગર કોઇને નુકશાન પહોંચાડે તે પહેલાં જીવદયા સંસ્થાએ રેસ્ક્યૂ કરી પીંજરામાં પૂર્યો હતો. મહાકાય મગર પીંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

વડોદરા નજીક દેણા ગામ પાસેથી વિશ્વામિત્રીના કોતરો પસાર થાય છે. કોતરોમાં વસવાટ કરતા મગરો અવાર-નવાર ગામમાં તેમજ ગામની સીમમાં ધસી આવતા હોય છે. મોડી રાત્રે મહાકાય મગર દેણા ગામના રોડ ઉપર બિદાસ્ત લટાર મારી રહ્યો હતો. ગામ પાસેના રોડ ઉપર લટાર મારી રહેલા મગરને ગામ લોકોએ જોતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોત જોતામાં ગામ લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા.


રોડ ઉપર બિદાસ્ત ફરી રહેલો મગર રહેણાંક વિસ્તાર તરફ ન જાય તે માટે ગામ લોકોએ મગરના મોંઢા ઉપર કંતાન નાંખી દીધું હતું. જો કે, મગરના મોંઢા ઉપર નાંખેલું કંતાન દૂર કરી રહેણાંક વિસ્તાર તરફ જઈ રહ્યો હોઇ, ગામ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી કોઈને જાનહાનિ પહોંચાડે તે પહેલાં જીવદયા સંસ્થાના હેમંત વઢવાણાને જાણ કરતા તેઓ સાથી કાર્યકરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.


સ્થળ પર આવી પહોંચેલી રેસ્ક્યૂ ટીમે 6.5 ફૂટ લાંબા મગરના મોંઢા ઉપર કંતાનના કોથળા નાંખી આગળ ધપતો અટકાવી દીધો હતો. મગર જે-તે સ્થળે ઉભો થઇ ગયા બાદ જીવદયા ટીમના ચાર જેટલા કાર્યકરો મગર ઉપર બેસી ગયા હતા અને મગરને દોરડાથી પકડી પીંજરામાં પૂર્યો હતો. મગર પીંજરે પૂરાયા બાદ તેને વન વિભાગને સોંપી દીધો હતો. મોડી રાતે લટાર મારવા માટે નીકળેલા મગરે ચકચાર જગાવી મૂકી હતી.


જીવદયા કાર્યકર હેમંત વઢવાણા અને વન વિભાગની ટીમે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પડેલા કમોસમી વરસાદના કારણે મગરો પાણીમાંથી બહાર આવી જતા હોય છે. આ મગર પણ વિશ્વામિત્રી કોતરોમાંથી ધસી આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં તેમજ કોતરોમાં મગરો મોટી સંખ્યામાં છે. આ મગરો અવારનવાર કિનારા વિસ્તારના ખેતરોમાં અથવા તો ગામોમાં ઘૂસી આવતા હોય છે. મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવેલ મગર 6.5 ફૂટ લાંબો છે. આ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરને પુન સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.

Share :

Leave a Comments