- દર્દી કેન્સર, હૃદયરોગ અને હાયપર ટેન્શન સહિતની બીમારીઓથી પીડાતા હતા
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય દર્દી જે H1 N1 ઇન્ફ્લુએન્ઝા (સ્વાઇન ફ્લૂ) સહિત હૃદય રોગ, કેન્સર, હાઇપર, ટેન્શન તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓની સારવાર લઇ રહેલ વ્યક્તિનું સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું હતું. ઘરના મોભી ગુમાવતા પરિવારજનો ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયા હતા.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા હરિધામ ફ્લેટમાં રહેતા 57 વર્ષીય તુષાર ચંદ્રકાન્ત શાહ હૃદય રોગ, કેન્સર, હાઇપર, ટેન્શન જેવી બીમારીઓથી પીડિત હતા તેઓને 7 દિવસથી કફ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા.આ દરમિયાન ગત તા. 31 ડિસેમ્બરના રોજ તેમનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર હતા. તેઓને 7 દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમજ ઉલટી પણ થતી હતી. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દર્દી વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા. 12 વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી. 3 વર્ષથી કેન્સર હતું. 10 મહિનાથી હ્રદય રોગની બીમારી હતી. આ ઉપરાંત છલ્લા 9 મહિનાથી તેઓ હાયપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેઓને 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, જ્યારે સ્વાઇન ફલૂના દર્દીના ફેફસાં ડેમેજ થાય ત્યારે તેનું મોત થઈ શકે છે. આજે દર્દીનું મોત થયું તે વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા.
H1N1 વાયરસ એટલે સ્વાઈન ફલૂ. આ રોગ ઇન્ફ્લુએન્ઝા A વાયરસને કારણે થાય છે. સ્વાઇન ફલૂ શ્વાસથી ફેલાતી બીમારી છે. તેના વાયરસ ડુક્કરમાં જોવા મળે છે અને તે લોકોમાં H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોન્ગ છે. મોં વાટે તે શ્વાસનળીમાં જઈને ફેફસાંમાં પહોંચે છે અને ત્યાંના કોષોને મારી નાખે છે.
સતત બે દિવસ સુધી એકાએક ઠંડી સાથે 101થી 104 ડિગ્રી તાવ આવતો હોય અને શ્વાસમાં વધુ તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઇએ. સ્વાઈન ફલૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફલૂના વાયરસને મળતો આવે છે. સિઝનલ તાવ, શરદી-ઉધરસ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢું, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.