- શંકરભાઇ રાણાને હૃદય રોગનો પ્રચંડ હુમલો આવવાના કારણે મોતને ભેટ્યા, ઉત્સાહ શોકમાં ફેરવાયો
- સ્મશાન યાત્રામાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
છેલ્લા કેટલાંક સમયથી હ્રદયરોગના હુમલાના કારણે મોત થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં સોસાયટીમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબા રમી રહેલા એક 55 વર્ષિય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થવાની પ્રથમ ઘટના બની છે. છઠ્ઠા નોરતાની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઇ હતી.
મળેલી માહિતી પ્રમાણે શહેરના હરણી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં સંસ્કૃતિ એન્કલેવમાં રહેતા 55 વર્ષિય શંકરભાઇ બચુભાઇ રાણા સોસાયટીમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબા રમી રહ્યા હતા. દરમિયાન એકાએક છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા હતા. એકાએક ઢળી પડેલા શંકરભાઇને હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પરંતુ, તેઓને હ્રદય રોગનો પ્રચંડ હુમલો આવવાના કારણે મોતને ભેટ્યા હતા.
સોસાયટીમાં આયોજીત ગરબા મહોત્સવમાં શંકરભાઇ રાણા રોજ ગરબા રમતા હતા. છઠ્ઠા નોરતામાં પણ તેઓ મનમૂકીને ગરબા રમી રહ્યા હતા. ગરબાની પણ રંગત જામી હતી. સોસાયટીના અન્ય લોકો પણ ગરબા રમી રહ્યા હતા. દરમિયાન શંકરભાઇને એકાએક ગભરામણ થવા સાથે છાતીમાં દુખાવો શરૂ થતા સ્થળ પર ઢળી પડ્યા હતા. જેને પગલે તુરંત જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. અને તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
નવરાત્રીના છઠ્ઠા નોરતાની રાત્રે એટેક આવવાના કારણે મોતને ભેટેલા શંકરભાઇ રાણા પત્ની તારાબહેન, પરિણીત દીકરી સોનલબહેન અને બે પુત્રો અનિકેત અને પ્રતિક સહિત પરિવારજનોને વિલાપ કરતા મૂકી ગયા છે. શંકરભાઇ બે પુત્રો નોકરી-ધંધો કરતા હોવાથી નિવૃત્તમય જીવન વ્યતીત કરતા હતા.
આ બનાવને પગલે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતાનો ઉત્સાહ શોકમાં ફેરવાઇ ગયો હતો. આજે વહેલી સવારે સ્વ. શંકરભાઇ રાણાની મુંબઇ પરણાવેલી દીકરી સોનલબહેન આવી ગયા બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેઓના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમયાત્રા કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન યાત્રામાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.