- ફાયર બ્રિગેડ 10 મીનીટમાં બહાર કાઢી પણ જીવ ન બચાવી શક્યા
વડોદરાના છાણી નજીક યોગીનગર ટાઉનશીપ પાસે એક બાળકી બોરવેલમાં પડી હોવાનો કોલ મળ્યો હતો. જેથી છાણી ટીપી 13 ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની સાથેસાથે પોલીસ પણ સ્થળે પહોંચી હતી. જે બાદ બાળકી 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ફસાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બાળકીના રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાળકીને મિનિટોમાં જ બહાર કાઢવામાં આવી હતી, પણ બાળકીનું બાળકીનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
મળતી માહિતી મુજબ, વડોદરાના છાણી રામા કાકા ડેરી પાસે બિલ્ડર દિશાંત પટેલની ગેલેક્સી બ્લીસ નામની નવી સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે. તે સાઇટ પર ત્રણથી ચાર શ્રમજીવી પરિવારો મજૂરી કામ કરે છે. આ પરિવારોના રહેવા માટે બાજુમાં આવેલા હિતેશ પટેેલના ખેતરમાં ઓરડીઓ બાંધવાની હતી. ઓરડી બાંધવા કોલમ ઉભા કરવા માટે ગઇકાલે જ આઠ થી દસ ખાડા ખોદવામાં આવ્યા હતા. અંદાજે દસ ફૂટ ઉંડા ખાડામાં પ.િબંગાળના શ્રમજીવી પરિવારની ટપુર રાય (ઉ.વ.3) નામની બાળકી આજે સવારે 11 વાગ્યાની આસપાસ રમતા રમતા પડી ગઇ હતી. જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. એક ફૂટ વ્યાસ અને દસ ફૂટ ઉંડા ખાડામાંથી દોરડા વડે રેસક્યૂ કરીને બાળકીને બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાઇ હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું. અથાગ મહેનત બાદ પણ બાળકીને બચાવી શક્યા ન હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે હિતેશ પટેલે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મજૂરોને રહેવા માટે ઓરડી બનાવી રહ્યાં હતાં. ઓરડીના પાઈલિંગ માટે 12 ઈંચના ખાડા 8 -10 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતાં. આજે પાઈલિંગ કરી પતરાની ઓરડી બનાવવાની હતી અને આજે તેનું કામ પણ પૂર્ણ થવાનું હતું. હવે સંજોગો વસાત બાળક રમતા-રમતા ફેન્સિંગ તારમાંથી અંદર આવ્યું હતું અને ખાડામાં પડી ગયું હતું. જેનું મોત થયું છે જેનું બહુ જ દુઃખ છે.
આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે એક બાળકી ઊંડા ખાડામાં પડી ગઈ છે. જેથી અમારી ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં જોતા 10થી 15 ફૂટ ઊંડા ખાડામાં બાળકી ફસાયેલ હતી. જેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 મિનિટ જેટલા સમય બાદ બાળકીને ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાળકીના મો અને નાકમાં થોડી માટી ફસાઈ ગઈ હતી, જેથા બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.