- અજાણ્યું વાહન અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી, મૃતક મેલ રાવત 11 ભાઈ-બહેનો પૈકી સૌથી ભાઈ હતો
વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામમાં રહેતો અને કડિયા કામ કરતા યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ યુવાન બાઈક લઈને શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન પીપળિયા-મુસ્તુપુરા કેનાલ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન 11 ભાઈ-બહેનો પૈકી સૌથી નાનો ભાઈ હતો.
મળેલી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના લીમખેડાના જેતપુર (દુ) વાંકળી ફળિયામાં રહેતા અને કડિયાકામ કરતો 22 વર્ષીય મેહુલ તેરસીંગભાઈ રાવત છેલ્લા બે માસથી વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ પાસે આવેલ આવા કાઉન્ટિંગમાં નવી બનતી સાઈટ પર કડિયા કામની મજૂરી કામ કરતો હતો.
ગતરોજ મોડી સાંજે મેહુલ રાવત મજૂરી કામ પૂરું કર્યા બાદ બાઈક લઈને શાકભાજી અને કરિયાણાનો સામાન લેવા પીપળિયા ગામે બજારમાં જવા નીકળ્યા હતો. આ દરમિયાન વાઘોડિયાના પીપળિયા ગામથી મસ્તુપુરા ગામ તરફ જવાના કેનાલ રોડ પાસેથી પસાર થઈ રહેલા મેહુલની બાઈકને પૂરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને ટક્કર મારતા મેહુલ પટકાયો હતો. જેમાં તેના માથામાં તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અરેરાટીભર્યાં આ બનાવ અંગેની જાણ પરિવારને થતાં પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પરિવારજનોના આંક્રદે સન્નાટો પાથરી દીધો હતો, વાઘોડિયા પોલીસે લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. વાઘોડિયા પોલીસે મૃતકના ભાઇ શૈલેષ રાવતની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, 11 ભાઈ-બહેનોમાં મૃતક સૌથી નાનો ભાઈ હતો અને તેના લગ્ન પણ થયા ન હતા.