વડોદરા રેલવે સ્ટેશનથી મળેલા 14 વર્ષના બાળકનું બાળ સુરક્ષા વિભાગે પરિવાર સાથે મિલન કરાવ્યું

રમતાં-રમતાં ટ્રેનમાં બેસેલો અમદાવાદનો બાળક વડોદરા ઉતર્યો હતો

MailVadodara.com - A-14-year-old-boy-found-at-Vadodara-railway-station-was-reunited-with-his-family-by-the-Child-Protection-Department

- ચિલ્ડ્રન હોમ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળકના માતા-પિતાને શોધી સુપરત કર્યો, એક સપ્તાહ બાદ પુત્રને જોતાં માતા-પિતા ભાવુક થયા

એક સપ્તાહ પૂર્વે શહેરના રેલવે સ્ટેશન ઉપરથી એક 14 વર્ષનુ બાળક મળી આવ્યું હતું. રેલવે પોલીસે આ બાળકે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાલ ગોકુલમ) ને સોંપી દીધું હતું. આ દરમિયાન ચિલ્ડ્રન હોમ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગે માત્ર 16 કલાકમાં બાળકના માતા-પિતાને શોધી સુપરત કર્યો હતો. એક સપ્તાહ બાદ પુત્રને જોતાં માતા-પિતા ભાવુક થઇ ગયા હતા.


આખી ઘટનાની એવી છે કે, એક સપ્તાહ પૂર્વે રેલ્વે સ્ટેશન પર એક બાળક બીનવારસી આમ તેમ ફરી રહ્યું હતું. રેલ્વે પોલીસે આ બાળકની પૂછતાછ કરી હતી. તે બાળકે ફક્ત એટલું જણાવ્યું કે, તે અમદાવાદનો છે અને રેલ્વે સ્ટેશન પાસે રમતા-રમતા ટ્રેનમાં ચઢી ગયો હતો અને ટ્રેન આગળ નીકળી ગઈ હતી. બાદમાં તે વડોદરા ઉતરી ગયો હતો. રેલ્વે પોલીસે વડોદરા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી આ બાળકને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના માર્ગદર્શનમાં ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાલગોકુલમ)ને સોંપણી કરી હતી.

ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે, ગત શનિવારે સાંજે 14 વર્ષનો એક બાળક વડોદરા રેલ્વે પોલીસ દ્વારા મળી આવ્યું હતું અને તેની સોપણી વડોદરા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સંસ્થામાં કરવામાં આવી હતી. પહેલી નજેરે આ બાળક ખૂબ જ ગભરાયેલું હતું. જેથી ચિલ્ડ્રન હોમના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા તે બાળકે જણાવેલ કે, તે અમદાવાદ જિલ્લાનો હોય અને રમતા રમતા ટ્રેનમાં બેસી ગયો હતો. અને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતારી ગયો હતો .

વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા, ચિલ્ડ્રન હોમના અધિક્ષક ધ્રુમિલ દોશી અને અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના સંકલન અને સતત પ્રયાસથી બાળકના વાલીવારસો અને રહેઠાણ માત્ર 16 કલાકમા જ મળી ગયો હતો અને વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા બાળકને તેના માતા-પિતા સાથે પોતાના ઘરે મોકલી આપ્યો હતો.

એક સપ્તાહ બાદ મળેલા વહાલસોયા પુત્રને માતા-પિતા ભાવુક થઇ ગયા હતા. અને પુત્ર સાથે મેળાપ કરાવી આપનાર ટીમનો આભાર માણ્યો હતો. નોંધનીય છે કે, સંસ્થા દ્વારા આવા અનેક બાળકો સાથે મિલન કરાવી આપ્યું છે.

Share :

Leave a Comments