- આશિષને બચાવવા અન્ય મિત્રએ પાણીમાં છલાંગ લગાવી હતી, જાે કે તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો
વડોદરા જિલ્લાના પાદરાનાં તાજપુરા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર પણ ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરી રહ્યો હતો, પરંતુ તેમની માટે રંગોનો પર્વ માતમનાં પર્વમાં ફેરવાઈ ગયો હતો.
પાદરા તાલુકાના તાજપુરા રોડ પર આવેલ રામ રેસિડેન્સીમાં રહેતો ખરાદી પરિવાર બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ત્રણ બાળકો ધુળેટી રમ્યા બાદ પાદરા નજીક આવેલા પાતળીયા હનુમાનજી રોડ પર નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન 14 વર્ષીય સ્મિત આશિષ ખરાદીનો પગ લપસી જતાં કેનાલ ઊંડાના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેને પગલે ડૂબી રહેલા મિત્રને બચાવવા અન્ય મિત્રએ પાણીમાં છલાંગ લગાવી હતી પરંતુ કેનાલના પાણી ઊંડા હોવાના કારણે બચાવવા પડેલો મિત્ર પણ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.
આ ઘટનાના પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં ડૂબી રહેલા બે બાળકો પૈકી એક બાળકને બચાવી લીધો હતો. જયારે સ્મિત ખરાદીને સ્થાનિક લોકો બચાવામાં નિષ્ફળ રહ્યા હતા અને કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પાદરા પોલીસને થતાં પાદરા પોલીસ દોડતી થઇ હતી અને મોત નીપજેલ બાળકનો મૃતદેહને પાદરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.