- અંગ્રેજીનું પેપર હોય અભ્યાસ માટે માતાએ આપેલો ઠપકો સહન ન થતાં નિમિશે બપોરના સમયે બેડરૂમમાં બારી સાથે બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
- બનાવને પગલે દોડી ગયેલા મહિલા પોલીસ અધિકારી પણ માસુમ નિમીશનો મૃતદેહ જોઇ સ્તબ્ધ થઇ ગયા, મંજુસર પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના છેવાડે આવેલા વેમાલી ખાતે પરિવાર આવેલ શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં CBSC માં ધોરણ -7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોઇ, માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપતાં આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાળકના મૃતદેહને જોઇ મહિલા પોલીસ અધિકારીની પોસ્ટમોર્ટમ માટે હિંમત ચાલતી ન હતી.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વેમાલીમાં એમ.એસ. હોસ્ટેલ પાસે B-302, શ્રવણ એન્કલેવમાં અરુણભાઇ વસંતરાવ ગુંડેકર પત્ની અને બે બાળકો સાથે રહે છે અને મંજુસર જીઆઇડીસીમાં NBC કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવે છે. તેમના બે સંતાનો પૈકી મોટા 13 વર્ષના પુત્ર નિમીશે મંગળવારે બપોરના સમયે પોતાના બેડરૂમમાં બારી સાથે બેલ્ટ બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
આપઘાત કરી લેનાર પિતા અરુણભાઇ ગુંડેકરે જણાવ્યું હતું કે, પુત્ર નિમીશની પરીક્ષા ચાલી રહી હતી. અંગ્રેજીનું પેપર હતું. આથી પત્નીએ અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. નિમીશને માતાએ આપેલો ઠપકો સહન ન થતાં રૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા એ.એસ.આઇ. દિવ્યાબેન સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે આ બનાવની જાણ થતાં દોડી ગયેલા મહિલા પોલીસ અધિકારી પણ માસુમ વિદ્યાર્થી નિમીશનો મૃતદેહ જોઇ સ્તબ્ધ થઇ ગઇ હતી. એથી વધારે વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરાવવાની પણ પોલીસની હિંમત ચાલતી ન હતી. પરંતુ, મહિલા પોલીસ અધિકારીએ હિંમત એકઠી કરી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને અંતિમ વિધી માટે સોંપ્યો હતો. હાલ મંજુસર પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.