- દરજીપુરા-પાંજરાપોળથી બપોરે બે વાગ્યે ટ્રેલર સ્વરૂપે તૈયાર કરાયેલા રથમાં અગરબત્તી રવાના કરાશે, પ્રજવલિત કર્યા બાદ 47 દિવસ અખંડ ચાલશે
વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે. આ અગરબત્તી તારીખ 31 ના રોજ બપોરે બે વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાશે. 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે. તારીખ 31ના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષા ભેર અયોધ્યા લઈ જવાશે. આશરે 1,200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે.
આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે, રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે. અગરબત્તી લોકાર્પણ પ્રસંગે તારીખ 30ની રાત્રે 8 વાગે દરજીપુરા એરફોર્સ સામે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.