- 10 ફૂટના અજગરનું સહિ સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સુપ્રત કરાયો
વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારમા સરીસૃપ પ્રાણી નીકળવાના અવાર નવાર કૉલ જીવદયા સંસ્થાને મળતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રે વડોદરા-પાદરા રોડ પર આવેલા સમીયાલા ગામે ટીપી રોડ પર એક મહાકાય અજગર દેખાયો હતો. મહાકાય અજગરને જોતાં ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ખેડૂતે મહાકાય અજગર અંગે પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરતા પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ અને વન વિભાગની ટીમ સમીયાલા ગામે પહોંચી હતી અને મહાકાય દસ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થામાં કામ કરતાં પિયુષ ગોહિલે જણાવ્યું હતું કે, પાદરા સમીયાલા ટીપી પર ખેડૂતનો અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ આવ્યો હતો. આ અજગર મહાકાય હોવાની માહિતી મળતા જ અમારી ટીમ તાત્કાલીક ત્યા પહોંચી હતી. બાદમાં પાદરા વન વિભાગની ટીમને અમે જાણ કરી હતી. આ અજગર 10 ફૂટનો હતો જેનું સહિ સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.
મહત્ત્વની બાબત છે કે, જ્યારે પણ આવા કોઈ વન્ય પ્રાણી આપણને જોવા મળે તો ક્યારેય તેની સામે જવાની કે જાતે પકડવાની કોશિશ ન કરવી. આ બાબતની જાણ જીવદયા સંસ્થા કે વન વિભાગને કરવી જોઈએ. જેથી કરીને આવા વન્ય પ્રાણીઓને બચાવી શકાય સાથે જ કોઈપણ જોખમ ઊભું ન થાય તે રીતે જાણ કરવી જોઈએ.