- સ્થાનિકોએ જણાવ્યું, મગર ગમે ત્યારે ઘરની આગળ આવીને બેસે છે!
- હજુ પણ 11 ફૂટનો મગર અને બે બચ્ચાં આંબેડકર નગર પાછળની વિશ્વામિત્રી નદીમાં છે, જે પિંજરામાં પુરાવાના બાકી છે : સ્થાનિક મહિલા
ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી મગરો નદી કિનારા વિસ્તારમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. ભાયલી ગામના આંબેડકર નગરમાં લટાર મારવા આવી પહોંચેલા 10 ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે મોડી રાત્રે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મગર ઘરની આગળ આવીને બેસી જાય છે. મગર ઘરમાં ન પ્રવેશી જાય તે માટે આડશ રાખવી પડે છે. જો કે, હજુ પણ આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક મહાકાય 11 ફૂટનો મગર અને બે 4થી 5 ફૂટના બચ્ચા ફરી રહ્યા હોવાનું જાણવા મું છે. આંબેડકર નગરમાં મગરનો પરિવાર ફરી રહ્યું હોવાથી લોકોને ભયના ઓથાર નીચે દિવસ-રાત પસાર કરવો પડી રહ્યો છે.
વડોદરા નજીક આવેલા ભાયલી ગામના આંબેડકર નગરની પાછળથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે. છેલ્લા કેટલાંક સમયથી બે મગરના બચ્ચા સાથેનું ચાર મગરોનું પરિવાર આંબેડકર નગરમાં પેંધા પડી ગયું છે. અવાર-નવાર બે મોટા મગર અને બે બચ્ચા આંબેડકર નગરમાં આવી પહોંચે છે. મગર લોકોના ઘરના દરવાજાની બહાર આવીને બેસી જતા હોવાથી નગરના લોકોને દિવસ-રાત ભયના ઓથાર નીચે પસાર કરવો પડે છે.
ગઇકાલે મોડી રાત્રે 11 વાગે ભાયલીના આંબેડકર નગરમાં લટાર મારવા આવેલા આશરે 10 ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હર્તો. મગરને રેસ્ક્યૂ કરવા માટે વન વિભાગે ગામ લોકોની પણ મદદ લેવાની ફરજ પડી હતી. જો કે, રેસ્ક્યૂ ટીમે ચારે બાજુથી દોરડાથી ગાળીયો કરીને મગરને દબોચી લીધો હતો. મગરના રેસ્ક્યૂને જોવા માટે નગરના લોકોના ટોળે-ટોળાં ઉમટી પડ્યા હતા.
આંબેડકરનગરમાં રહેતા લીલાબેને જણાવ્યું હતું કે, વરસાદ શરૂ થતાંની સાથે મગરોનો ત્રાસ શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે એક મગર આવી પહોંચ્યો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમ આવી પહોંચી હતી અને 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી લઇ ગઇ હતી. જો કે, હજુ પણ 11 ફૂટનો એક મગર અને બે બચ્ચાં આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. જે પિંજરામાં પુરાવાના બાકી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મગરો ક્યારે ઘર પાસે આવી પહોંચશે તેનો સતત ડર રહે છે. મગર ઘરમાં આવી ન જાય તે માટે ઘરના મુખ્ય દરવાજાએ આડશ કરી દેવામાં આવી છે. બાળકોને પણ ઘરની બહાર એકલા મોકલતા ડર લાગી રહ્યો છે. મહાકાય મગરોના કારણે દિવસ-રાત ભયના ઓથાર નીચે પસાર કરવી પડે છે. રાત્રે વન વિભાગે 10 ફૂટનો મગર પકડી લીધો છે, પરંતુ હજુ આ મગરથી મોટો મગર અને બે બચ્ચા પકડાય નહીં, ત્યાં સુધી ડર સતાવતો રહેશે. અમારે સતત એલર્ટ રહેવું પડે છે.