- ગેરકાયદે દિવાલ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે કામગીરી અટકી હતી
વડોદરા શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરા ફતેપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસેની બનાસની ગલીમાં એક મકાનના રહીશ દ્વારા 10 ફૂટ જેટલી ઊંચી દીવાલ ગેરકાયદે બનાવવામાં આવી હતી. આ દિવાલ પોલીસ બંદોબસ્તના નેજા હેઠળ ટીડીઓ સ્ટાફ સાથે રાખીને બુલડોઝરના સહારે પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે યાકુતપુરા ફતેપુરાના અતિ સંવેદનશીલ વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલી અનાસની ગલીમાં છેલ્લા મકાનના રહીશો દ્વારા 10 ફૂટ જેટલી ઊંચી ગેરકાયદે દિવાલ બનાવી દેવામાં આવી હતી. આ ગેરકાયદે દિવાલ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે કામગીરી અટકી રહી હતી. આજે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તની ફાળવણી થતા ટીડીઓ અધિકારી અશોકભાઈ સહિત સ્ટાફ સાથે મળીને ઘટના સ્થળે પહોંચતા પાલિકાની દબાણ શાખાના કર્મચારીઓ બુલડોઝર સાથે પહોંચી ગયા હતા.
પોલીસ બંદોબસ્ત હોવાથી પાલિકા તંત્રને ગેરકાયદે બનાવાયેલી દિવાલ તોડવામાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો અને કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.