ફાયર બ્રિગેડમાં કર્મચારીઓની ઘટ પૂરવા 92 ફાયર જવાનોની સીધી ભરતી કરાઇ

વડોદરા ફાયર બ્રિગેડમાં ફાયર મેન અને સબ ફાયર ઓફિસરોની નિમણૂક કરી કોર્પોરેશન દ્વારા નિયુક્તિ પત્રો એનાયત કરાયા

MailVadodara.com - 92-fire-personnel-were-directly-recruited-to-fill-the-personnel-shortage-in-the-fire-brigade


વડોદરા ફાયર બ્રિગેડમાં કર્મચારીઓની ઘટ પૂરવા પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા સીધી ભરતીથી 92 ફાયર જવાનોની ભરતી કરવામાં આવી છે. પસંદ થયેલા જવાનોને કોર્પોરેશન દ્વારા નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.

આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં સીધી ભરતી આધારે નવીન નિમણૂક પામનાર સૈનિક (ફાયરમેન) અને સબ ઓફિસર (ફાયર) મળી કુલ 92 ઉમેદવારોને મેયર પિન્કીબેન સોની, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલની ઉપસ્થિતિમાં નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું છે કે, વડોદરા શહેર સાંસ્કૃતિક અને કલા નગરીની સાથે ઉત્સવોની નગરી પણ છે. સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગો પણ શહેર અને તેની આસપાસના ગામડાઓમાં વિકસેલા છે. સાથે વડોદરા શહેર ચાર દરવાજા સિટી વિસ્તાર પોળોનો ગીચ વિસ્તાર પણ આવેલો છે. જેની સલામતી અને કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ તમામ સંજોગોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યું છે.

વડોદરા શહેર અને તેની આસપાસના ગામડાઓ અને વિકસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખી વખતો વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનોમાં વધારો તેમજ ફાયર ફાયટરોની પણ ભરતી કરવામાં આવે છે. હાલ વડોદરા મહાનગરપાલિકામાં 9 ફાયર સ્ટેશન છે. જેને વધારી 16 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલું છે. 9 ફાયર સ્ટેશન મુજબ ફાયર મેનની મંજૂર મહેકમ જગ્યા 202 છે. જેની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હયાત 125 ફાયર મેન ઉપરાંત વધુ 83 ફાયરમેનની ભરતી કરવામાં આવી છે તથા વધુ 152 ફાયર મેનની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

આ ઉપરાંત સબ ઓફિસર (ફાયર)ની મંજૂર જગ્યા 20 છે જેની સામે 9 સબ ઓફિસર (ફાયર)ની જગ્યા ભરવામાં આવેલી છે. સ્ટેશન ઓફિસરની 17 જગ્યાઓએ અને ડિવિઝનલ ઓફિસરની 2 જગ્યાની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ ઉમેર્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2023-24 અને 2024-25માં ઐતિહાસિક 2210 વિવિધ સવર્ગના અધિકારી-કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. તથા આગામી છ મહિનામાં વધુ 424 અધિકારી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક આપવામાં આવશે.

Share :

Leave a Comments