વડસર બ્રિજ પાસેથી કન્ટેનર -બે ટેમ્પોમાંથી 900 પેટી દારૂ ઝડપાયો, બૂટલેગર સહિત 4ની ધરપકડ

માહિતીના આધારે પી.સી.બી. પોલીસે વડસર બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી

MailVadodara.com - 900-bottles-of-liquor-seized-from-container-two-tempos-from-Vadsar-Bridge-4-arrested-including-bootlegger

- મહારાષ્ટ્રથી લવાયેલો દારૂનો જથ્થો પકડાતા શહેર-જિલ્લાના બુટલેગરોમાં ચકચાર


વડોદરા શહેરમાં ચાલતા દારૂના ધંધા ઉપર નિયંત્રણ લાવવાના પોલીસ તંત્ર દ્વારા નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રની કહેવાતી ચાંપતી નજર હોવા છતાં શહેરના બૂટલેગરો પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાંખી બિંદાસ્ત રીતે દારૂ લાવીને વેચાણ કરી રહ્યા છે. જો કે, આજે શહેર પોલીસ તંત્રની પી.સી.બી. પોલીસે વડોદરામાં કન્ટેનર અને બે ટેમ્પોમાં લવાતો 900 જેટલી પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉપરાંત પોલીસે બૂટલેગરોના ભાયલી ખાતેના ગોડાઉનમાં પણ દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ દારૂના કેસમાં એક નામચીન બૂટલેગર સહિત ચાર બૂટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા શહેર પી.સી.બી. પોલીસને માહિતી મળી હતી કે, વડોદરાના વડસર બ્રિજ રોડ ઉપરથી દારૂનો જથ્થો લઇને કન્ટેનર ભાયલી તરફ જઈ રહ્યું છે. જે માહિતીના આધારે પી.સી.બી. પોલીસે વડસર બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળુ કન્ટેનર આવતા જ પોલીસે રોક્યું હતું. આ સાથે પોલીસે બે ટેમ્પોને પણ રોક્યા હતા. પોલીસે કન્ટેનર અને બે ટેમ્પોમાંથી લાખો રૂપિયાની કિંમતનો 900 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી લવાતો હતો અને આ દારૂનો જથ્થો બિશ્નોઇ ગેંગનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે કન્ટેનર અને બે ટેમ્પોમાં લવાતા દારૂના જથ્થા સાથે બે ટુ-વ્હિલરો પણ કબજે કર્યા છે. પોલીસે આ બનાવમાં રૂપિયા 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવાની સાથે નામચીન બૂટલેગર સહિત ચાર બૂટલેગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બૂટલેગરોના વડોદરાના છેવાડે આવેલા ભાયલી ગામ સ્થિત બે ગોડાઉનોમાં પણ દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા વડસર બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવેલા દારૂ ભરેલ કન્ટેનર અને બે ટેમ્પો પોલીસ ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. કન્ટેનર અને ટેમ્પોમાંથી ઉતારવામાં આવેલા દારૂની પેટીઓ ભરેલા બોક્સથી પોલીસ ભવનનું પટાંગણ ભરાઇ ગયું હતું. પોલીસ ભવન ખાતે દારૂ ભરેલા કન્ટેનર અને બે ટેમ્પોમાં લાવવામાં આવતા બાજુમાં આવેલા કુબેર ભવનની સરકારી કચેરીઓમાં ચકચાર મચી ગઇ હતી.


વડોદરા શહેર પીસીબી શાખાએ મહારાષ્ટ્રથી વડોદરા લવાતો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા વડોદરા શહેર-જિલ્લાના બુટલેગરોમાં ચકચાર મચી ગઇ હતી. આ દારૂનો જથ્થો ભાયલી ખાતેના ગોડાઉનોમાં લઇ જવાયા બાદ નાના-મોટા બૂટલેગરોને પહોંચતો કરાનાર હતો. જો કે, નાના-મોટા બૂટલેગરો સુધી દારૂનો જથ્થો પહોંચે તે પહેલા શહેર પીસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે નામચીન બૂટલેગર સહિત ચાર બૂટલેગરોને પણ દબોચી લીધા હતા. આ બનાવ અંગે ચારે બૂટલેગરો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments