- વડોદરા તાલુકા પોલીસે બાતમી આધારે બ્રોડ-વે-પ્રાઈડ કોમ્પલેક્સમાં દરોડો પાડ્યો હતો, વધુ જુગારિયા હોવાથી પોલીસ વાન પણ ભરાય ગઇ હતી
શ્રાવણ માસની શરૂઆત સાથે શ્રાવણિયો જુગાર શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસના પ્રારંભ પહેલાની રાતથી જુગાર રમવાની શરૂઆત કરનાર 9 જુગારિયાઓને પોલીસે દાવ ઉપર લગાવેલા રૂપિયા 54 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વધુ જુગારિયા હોવાથી પોલીસ વાન નાની પડી હતી. પોલીસે કોમ્પલેક્સની દુકાનમાં દરોડો પાડી જુગારિયા ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ હતી.
શ્રાવણ માસમાં મોટાપાયે જુગાર રમાતો હોય છે. પોલીસ પણ શ્રાવણ માસમાં જુગારિયાઓ ઉપર વોચ ગોઠવી દેતી હોય છે. ત્યારે વડોદરા તાલુકા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, ભાયલી ગામની સીમમાં આવેલા બ્રોડ-વે-પ્રાઈડ કોમ્પલેક્સના ચોથા માળે તીનપત્તીનો જુગાર રમાય રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. સ્થળ પર પહોંચતા દુકાનનો દરવાજો અંદરના ભાગેથી બંધ હતો. તેનો મેઈન ગેટ ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. બાદમાં અંદર જઈને જોતા કુંડાળુ વળીને પાના-પત્તાનો જુગાર રમાય રહ્યો હતો. પોલીસ કાફલો જોતાં જુગારિયાઓના હોંશ ઊડી ગયા હતા. પોલીસે દાવ ઉપર મુકેલા રૂ. 54 હજાર કબ્જે કર્યા હતા.
પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલાઓમાં અમરજીતસિંહ સુખદેવસિંહ ગોહિલ, પાર્થ રાજેશભાઈ કુંડારિયા, ભાવેશભાઈ દામજીભાઈ બાણગોરિયા, અશ્વિનકુમાર નારાયણભાઈ પટેલ, નિરવભાઈ વિઠ્ઠલભાઈ પનારા, વિકાસભાઈ નાનજીભાઈ માંકડિયા, ભાવેશભાઈ મનસુખભાઈ નરોડિયા, હરેશભાઈ કાંતિલાલ લાડાણી અને મહેન્દ્રભાઈ દયાળજીભાઈ પટેલ (તમામ રહે. શિલ્પન બ્લીસ એપાર્ટમેન્ટ, ભાયલી, વડોદરા)નો સમાવેશ થાય છે. તમામ સામે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, શ્રાવણિયો જુગાર પ્રચલિત છે. શ્રાવણ મહિનાના બહાના હેઠળ જુગાર રમવામાં આવે છે. જો કે, ઉપરોક્ત કિસ્સામાં શ્રાવણ મહિનો શરૂ થાય તેની પૂર્વ રાત્રે ઝડપાયેલા જુગારિયાઓથી પોલીસ વાનમાં જગ્યા ઓછી પડે તેટલી સંખ્યામાં લોકોની જુગાર રમતા રંગેહાથ અટકાયત કરવામાં આવી છે. આ જોતા શ્રાવણ માસમાં જુગારિયાઓને દબોચી લેવા માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું દેખાય આવે છે. આવનાર સમયમાં વધુ જુગારિયાઓ ઝડપાઇ તો નવાઈ નહીં.